યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી, ઇઝરાયલે ફરીથી ગાઝામાં ઝડપી હુમલા શરૂ કર્યા છે. છેલ્લા એક દિવસમાં ગાઝામાં ૬૫ થી વધુ પેલેસ્ટીનિયનો માર્યા ગયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલે હમાસ સાથે યુદ્ધવિરામ તોડ્યા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયલી સુરક્ષા દળોએ છેલ્લા અઠવાડિયામાં ગાઝામાં હવાઈ અને જમીની કાર્યવાહીમાં સેંકડો લોકોને મારી નાખ્યા છે. ૧૭ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષમાં મૃત્યુઆંક હવે ૫૦,૦૦૦ને વટાવી ગયો છે.
દરમિયાન, ઇજિપ્તે યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા માટે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇજિપ્તના એક અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ પાંચ જીવંત બંધકોને મુક્ત કરશે, જેમાં અમેરિકન-ઇઝરાયલી બંધકોનો પણ સમાવેશ થાય છે, બદલામાં ઇઝરાયલ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા અને એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની મંજૂરી આપશે. આ ઉપરાંત, ઇઝરાયલ સેંકડો પેલેસ્ટીનિયન કેદીઓને પણ મુક્ત કરશે.
હમાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે જૂથે ઓફરનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે પરંતુ વધુ વિગતો આપી નથી. બંને અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી કારણ કે માહિતી ગુપ્ત હતી. અધિકારીઓને આ માહિતી મીડિયા સમક્ષ જાહેર કરવાનો અધિકાર નહોતો.
દરમિયાન, ઇઝરાયલે કહ્યું કે તેણે ગાઝામાં રેડ ક્રોસ ઓફિસ પર ભૂલથી ગોળીબાર કર્યો હતો. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે સૈનિકોએ પેલેસ્ટીનિયન આતંકવાદીઓ તરફથી ખતરો ઓળખ્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. જાકે, સેનાએ એમ પણ કહ્યું હતું કે ઓળખ ખોટી હતી અને તે પછીથી જાણવા મળ્યું. સૈનિકોને ખ્યાલ નહોતો કે આ ઇમારતનો ઉપયોગ રેડ ક્રોસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે રેડ ક્રોસ ઓફિસમાં ગોળીબારની ઘટનાની સમીક્ષા કરવામાં આવશે. તે જ સમયે, રેડ ક્રોસનું કહેવું છે કે ગોળીબારને કારણે ઇમારતને નુકસાન થયું છે. જાકે, કોઈ કર્મચારીને ઈજા થઈ નથી.