ગીરગઢડા તાલુકામાં ખેતરોમાં સિંહો જોવા મળવા એ સામાન્ય બાબત છે. આવી જ એક ઘટનામાં રાત્રીના સમયે ગીરગઢડાના અલગ અલગ રહેણાંક વિસ્તારોમાં ડાલામથ્થા સિંહે વરસતા વરસાદમાં આંટાફેરા કર્યાર્ બાદ એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી. સિંહે ગલીઓમાં આંટાફેરા કરી મારણ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં એક ડાલામથ્થો સિંહ આવી ચડ્‌યો હતો અને ગલીઓમાં અને મુખ્ય બજારોમાં વરસતા વરસાદમાં વિહરતો જોવા મળ્યો હતો અને શહેરમાં રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ નવાપરા વિસ્તારમાં એક પશુ પર હુમલો કરી શિકાર કર્યો હતો. ત્યારબાદ મારણની મિજબાની પણ માણી હતી. સિંહના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે વાયરલ થયો હતો.