ગીરગઢડા, તા.૨૩
ગીરગઢડાના ધોકડવા ગામે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી માહોલ વચ્ચે ગીરગઢડા સહિત ગીર પંથક અને આજુબાજુના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો.નગડીયા ગામ ભારે વરસાદને લઇ સંપર્ક વિહોણું થયું હતું. જોકે ગીરગઢડા, ધોકડવા, નગડીયા, સોનારીયા, કોઠારીયા, જસાધાર, તુલશીશ્યામ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉના ગીરગઢડાની જીવાદોરી સમાન મચ્છુંન્દ્રી ડેમ તેમજ રાવલ ડેમ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યુ હતું. મચ્છુંન્દ્રી ડેમ વિસ્તારમાં ૫ ઇંચ વરસાદ વરસી જતા ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી. જોકે રાવલ ડેમ વિસ્તારમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર જંગલ નજીક આવેલ નગડીયા ગામની શાહી નદીમાં પૂર આવતા નગડીયા ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.