ગીર રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને એક પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગેના તથ્યોથી વાકેફ કર્યા હતા. તેમણે કહ્યુ કે, સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થશે જ્યારે હાલના નિયમો મુજબ ૩૮૯ ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વધારો થતો નથી. ઇકો-સેન્સેટીવ ઝોનનો કુલ વિસ્તાર ૨૦૬૧.૭૭ ચો. કિ.મી. છે. ઇકો-સેન્સેટીવ ઝોનમાં ૩ જિલ્લાના ૧૧ તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થાય છે. તા.૧૮/૦૯/૨૦૨૪ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.