ગીર સોમનાથના ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર ૮૩૧ પર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી દરમિયાન વિરોધ પ્રદર્શન થતા પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ૧૫ લોકોની અટકાયત કરી હતી. પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જમીન પર ૬૦-૭૦થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું, જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા અનેક નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દબાણકારોએ મકાનો ખાલી ન કરતા આખરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.