ગીર સોમનાથ જિલ્લામાં ટીબી નિદાન મશીન લોકાર્પણનો કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો છે. કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં રૂપિયા ૫૧.૭૫ લાખના બે ટ્રુનાટ મશીન કીટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, કોડીનારમાં એક જ મશીનનું બે વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક નેતાઓ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે વિવાદ થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવે તે પહેલાં જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ભાજપના નેતાઓએ લોકાર્પણ કરી દીધું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા સુત્રાપાડામાં મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, એક જ મશીનનું બે વાર લોકાર્પણ થતાં ગીર સોમનાથ જિલ્લામાં ટીબી મશીન લોકાર્પણ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે. કોડીનારના ભાજપના સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે, તેમને વિકાસ અને પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવતું નથી અને માત્ર કલેક્ટર દ્વારા જ ઉદ્ઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.