ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ વેરાવળ શહેર પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓને તેમની નોંધપાત્ર અને વખાણવાલાયક કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને બિરદાવ્યા છે. આ સન્માન તાજેતરમાં તા.૨૮/૦૩/૨૦૨૫ના રોજ કરવામાં આવેલી એક સફળ કામગીરી માટે આપવામાં આવ્યું છે. આ પોલીસ અધિકારીઓએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વેરાવળ સોમનાથ ટોકીઝ નજીકની દીવાનીયા કોલોનીમાંથી એક આરોપીને માદક પદાર્થો સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નંબર ૧ મહારાષ્ટ્રના એક વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યો હતો અને આરોપી નંબર ૩ માટે આપવા જઈ રહ્યો હતો. પોલીસે કુલ ૭ કિલો ૨૪ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૭૦,૨૪૦/- થાય છે, તે જપ્ત કર્યો હતો અને આરોપી નંબર ૧ની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી બદલ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ આ બંને પોલીસ અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.