હાલ ગુજરાત રાજયમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે રાજય ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ પર એક બુથ લેવલ ઓફિસરની પોસ્ટ ઉભી કરવામાં આવે છે. અને તેમની પાસેથી ચૂંટણીલક્ષી કામગીરી જેવી કે મતદારોનાં ફોર્મ બી.એલ. ઓ. એપમાં ઓનલાઈન ભરી મતદાર યાદી અદ્યતન બનાવવી, હાઉસ ટુ હાઉસ ઓનલાઇન સર્વે કરાવવો, ચૂંટણી દમિયાન ઘેર ઘેર સ્લીપ વિતરણ કરવું, બુથ ઉપર મતદાર સહાયતા બુથમાં ફરજ બજાવવી વગેરે વર્ષ દરમિયાન કરાવવામાં આવતી હોય છે. આ માટે તેમને માસિક રૂ. પાંચસોનું વેતન આપવામાં આવે છે. મોંઘવારીને ધ્યાને લઈએ તો આ માનદ વેતન વધારાતું નથી અને પ્રાપ્ત રજાઓ આપવામાં પણ વિલંબ થાય છે જેથી ગુજરાત રાજયનાં બી.એલ.ઓ.ની હાલત કફોડી બની છે. છેલ્લાં ઘણાં વર્ષોથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ માનદ વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી. અને સંકલનનાં અભાવે બી.એલ.ઓને માનદ વેતન અને પ્રાપ્ત રજાઓ આપવાનો રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં જે તે સરકારી વિભાગોમાંથી રજા આપવા બાબતે આદેશોનું અલગ- અલગ અર્થઘટન કરી રજાઓ આપવામાં ખૂબ જ વિલંબ થાય છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બી.એલ.ઓ.નું માનદ વેતન, તથા ઇન્ટરનેટ ભથ્થું, હાઉસ ટુ હાઉસ ભથ્થું, મિટિંગ ભથ્થું, સ્લીપ વિતરણ ભથ્થું વગેરેના દરોમાં સત્વરે વધારો કરાય તથા બી.એલ.ઓ.ને મળવા પાત્ર વળતર અને પ્રાપ્ત રજાઓના આદેશો સીધા રાજ્ય કક્ષાએથી જ જે તે વિભાગને કરાય અને રજાઓ સીધી જ તેમના ખાતામાં જમા કરાય તેવી માગણી ગુજરાત રાજયના બુથ લેવલ ઓફિસરોમાં બુલંદ બની છે.