ગુજરાતમાં શેકાઈ જવાય તેવી ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ૮ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ ભાર વરસાદની કોઈ શક્યતા નથી. ૧લી મેથી ૫ મે સુધી વાતાવરણમાં ઠંડક ફેલાશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ, કચ્છના રાપરમાં છુટાછવયા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યમાં ૯ જીલ્લામાં ૪૦ ડિગ્રીને પાર તાપમાનનો પારો જાવા મળ્યો હતો. કચ્છનાં ભુજમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૨.૧ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૪૧.૬ ડિગ્રી તાપમાન, ડીસામાં ૪૦.૮ તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં ૩૯.૯ ડિગ્રી તાપમાન, વડોદરામાં ૪૦.૪ ડિગ્રી તાપમાન, સુરતમાં ૩૫.૬ ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં ૪૨.૧ ડિગ્રી, કંડલામાં ૪૦.૬ ડિગ્રી તાપમાન, અમરેલીમાં ૪૧.૯ ડિગ્રી તાપમાન, ભાવનગરમાં ૩૯ ડિગ્રી તાપમાન, પોરબંદરમાં ૩૫ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૪૨.૨ ડિગ્રી તાપમાન, કેશોદમાં ૩૮.૮ ડિગ્રી તાપમાન, મહુવામાં ૩૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદમાં લગભગ ૭૪ ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રહેશે, જેનો અર્થ એ થયો કે વાહનચાલકોને હવે તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. બાકીના ચાલી રહેલા સિગ્નલોનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ ૨૭૪ ટ્રાફિક સિગ્નલ છે, જેમાંથી ૭૪ સિગ્નલો બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે ૨૦૦ સિગ્નલો સક્રિય રાખવામાં આવશે. સક્રિય સિગ્નલોનો સમય ઘટાડવામાં આવ્યો છે. તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચતાની સાથે જ કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી ગરમી રહેશે, ત્યાં સુધી બપોરે સિગ્નલ બંધ રાખવામાં આવશે. આગામી દિવસોમાં, જે સિગ્નલો કાર્યરત છે તેમના પર પણ માંડવા લગાવવામાં આવશે, જેથી વાહનચાલકોને રાહત મળે.