આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ૧૨ માર્ચ સુધી ગરમીનો પારો ઊંચે જવાની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં વધઘટ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગોમાં તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચવાની સંભાવના છે.હોળીના તહેવારમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. માવઠાથી પાક નાશ પામવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ૧૯ માર્ચ સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારત સહિત દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ અને વંટોળની શક્્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્્યતા છે.
ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ બદલાશે. ૧૨ માર્ચથી ૧૮ માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્્યતા છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો અને સામાન્ય લોકોને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ માટે તૈયાર રહેવા માટે મદદરૂપ થશે.