ચાર વર્ષ પૂર્વે અમેરિકામાં એક કાર્યક્રમ થયો હતો. ‘ડિસમેન્ટલિંગ ગ્લાબલ હિન્દુત્વ કાન્ફરન્સ’. કેટલીક યુનિવર્સિટીઓ પણ આ કાર્યક્રમના સમર્થનમાં હતી. આનો વિરોધ થયો. પરંતુ જે રીતે છદ્મ નક્સલવાદીઓ શહેરમાં હોય છે તેના વિશે ભારતમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘બુદ્ધ ઇન ટ્રાફિક જામ’ પછી લોકોમાં જાગૃતિ આવી તે રીતે સરકાર તરફી રહીને હિન્દુત્વને નુકસાન પહોંચાડતા લોકો વિશે જાગૃતિ નથી આવી. વિશેષ કરીને ગુજરાતમાં.
ગુજરાત એ હિન્દુત્વની પ્રયોગશાળા ગણાય છે. પરંતુ અહીં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી હિન્દુત્વ વિરોધી પ્રયોગશાળા બની ગઈ છે. જાતિવાદી આંદોલનો અહીં થયાં. હિન્દુઓને જાતિ-જાતિમાં વિભાજિત કરવાનો પ્રયાસ થયો. કથાકાર દ્વારા સ્વામિનારાયણ વિ. સનાતની એવો વિભાજિત કરવાનો પ્રયાસ થયો જે ઠીક-ઠીક સફળ પણ થયો. હિન્દુ વિ. જૈન એમ ઝઘડા ઊભા કરવાનો પણ પ્રયાસ કેટલાક કથિત કટ્ટર સનાતનીઓ દ્વારા થયો. આ સિવાય અહીં માટિવેશનના નામે, પ્રેમના નામે, લેખનના નામે, ફિલ્મોમાં ‘ડિસમેન્ટલિંગ હિન્દુત્વ’ના અખતરા ચાલી રહ્યા છે.
આ અખતરા કરનારા સરકાર તરફી જ છે પાછા. સરકારના મોટા-મોટા નેતાઓ, ભાજપના સંગઠનના નેતાઓ તેમનાથી અંજાયેલા છે. તેમની પાસે સામે ચાલીને જાય છે. કાંગ્રેસની જાતિવાદી રણનીતિને સમજીને તેનો તોડ કાઢી ચૂંટણી જીતવામાં પાવરધા બની ગયેલા ભાજપના નેતાઓ કે સંઘના લોકો ‘ડિસમેન્ટલિંગ હિન્દુત્વ’ના આ પરિબળોને જોકે ઓળખી નથી શકતા અથવા તેમને તેમનાથી એટલો ભય નથી લાગતો તે નવાઈની વાત છે.
અપરિણીત હોય તેવા લોકો અહીં પ્રેમ અને રિલેશનશિપની વાતો કરે છે. જોકે તેમાં પણ છિછરી વાતો વધુ હોય છે. તેની આડમાં પણ હિન્દુત્વને જ ઉધઈની જેમ કોતરી ખાવાનો આશય હોય છે. દા. ત. પ્રેમની વાત આવે તો શ્રી કૃષ્ણની વાત આવે જ. પરંતુ તેઓ કહે છે કે શ્રી કૃષ્ણ કાલ્પનિક છે. શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. અને કોઈ પુરુષ પૂર્ણ હોય જ ન શકે. કેમ જાણે આ લોકોએ ટાઇમ ટ્રાવેલ કરીને મહાભારતના સમયમાં જઈને જોઈ લીધું હોય કે શ્રી કૃષ્ણ હતા જ નહીં.
આવું નિવેદન જો રાહુલ ગાંધી, સપા, રાજદ, ડીએમકે, તૃણમૂલના કોઈ રેંજીપેંજી નેતાએ કર્યું હોય તો રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને ચેનલો હોહલ્લા મચાવી દે કારણકે તેમાં ભાજપને ફાયદો છે. રાહુલ ગાંધી, સપા, ડીએમકે, રાજદ, ડીએમકે, તૃણમૂલ વગેરે હિન્દુ વિરોધી છે તેમ સાબિત કરવામાં તેને પોતે હિન્દુ તરફી છે તેમ આપોઆપ પૂરવાર કરવાનો અવસર મળી જાય છે. પરંતુ ગુજરાતમાં જો કોઈ આવું કહે તો તેને ખબર હોતી નથી, ખબર કરવામાં આવે તો ‘એને કોણ સાંભળે છે? કે વાંચે છે?’ તેમ કહી તેની ઉપેક્ષા કરવામાં આવે છે.
મહાકુંભમાં ૫૬ કરોડ હિન્દુઓએ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી. તે અંગે કાંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, લાલુપ્રસાદ યાદવ અને મમતા બેનર્જીએ વિરોધી ટીપ્પણી કરી. ખડગેએ કહ્યું કે સ્નાન કરવાથી પાપ ધોવાઈ ન જાય. લાલુએ તો મહાકુંભને ફાલતુ કહ્યો. મમતાએ તેને મૃત્યુ કુંભ કહ્યો, તેની વિરુદ્ધ ઉહાપોહ પણ થયો. પરંતુ ગુજરાતમાં મહાકુંભ વિશે એમ જ્યારે કોઈ કહે કે ‘સરકાર આપણને ત્યાં જવાની ના પાડે છે પરંતુ અંબાણીને ના પાડતી નથી’ તો કોઈ ઉહાપોહ થતો નથી. ખરેખર તો આ ફેક ન્યૂઝ ગણી તેની સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આવું થયું નહીં. મહાકુંભ વિશે આવા તો ત્રણ-ચાર વીડિયો બન્યા.
આ લખનાર પોતે મહાકુંભ મેળામાં ૧૧ દિવસ રહી આવ્યો છે. વીઆઈપીઓ તે વખતે પણ આવ્યા હતા, પરંતુ કોઈ તકલીફ અમને પડી નથી. ને આ લખનાર સામાન્ય વ્યક્તિની જેમ ત્યાં પગપાળા જ બધે ગયો છે. કોઈ વીઆઈપી ટેન્ટમાં રોકાયો નથી. એટલે કોઈ મૂર્ખ એમ પણ તર્ક નહીં કરી શકે કે “તમે તો વીઆઈપી ટેન્ટમાં રોકાયા હો એટલે વખાણ જ કરવાના ને.” મહાકુંભમાં સ્નાન કરીને ત્યાંથી જે ગંગાજીનું પાણી લાવ્યા તેનો ચમત્કાર જાણવો છે? અમે આટલા દિવસ ઘરથી બહાર હતાં તેથી સ્વાભાવિક જ તુલસીજીને પાણી પવાયું નહોતું. તેથી તે સૂકાઈ ગયેલાં. આવીને મારાં શ્રીમતીએ ગંગાજીનું થોડું પાણી રેડ્યું અને તુલસીજી નવપલ્લવિત થઈ ગયાં. આ ચમત્કાર છે ગંગાજીનો. અને તેને કેટલાક લોકો પ્રદૂષિત ગણાવી આસ્થાની મજાક ઉડાવે છે.
‘કાલ્ડપ્લે કાન્સર્ટ’માં ભીડ થાય કે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા ભીડ ઉમટે તેની સામે કોઈને વાંધો નથી. તેનું કવરેજ પણ મીડિયામાં સકારાત્મક રીતે ભરપૂર થાય છે, પરંતુ મહાકુંભના સમાચારમાં ભીડ થાય તો તેનું નકારાત્મક કવરેજ કેમ? અમેરિકામાં ઘૂસવા માટે જેની લાયકાત નહોતી, જેમને અમેરિકા વિઝા આપતું નહોતું તેવા લોકો દેવું કરીને કે પોતાનું ઘર/ખેતર વેચીને મેક્સિકો કે કેનેડા થઈને, ત્રાસ સહન કરીને ગયા અને ડાનાલ્ડ ટ્રમ્પ જેવો ભાયડો ત્યાં પ્રમુખ તરીકે આવ્યો અને તેમણે બધાને પોતાના ઘરે પાછા તગેડ્યા તેમાં એક મીડિયાનું હેડિંગ હતું: “કમાવા ગયા હતા ને આતંકીની જેમ પાછા મોકલ્યા”. માન્યું કે નરેન્દ્ર મોદીને ડાનાલ્ડ ટ્રમ્પ સાથે સારું બને છે. ડાનાલ્ડ ટ્રમ્પ પણ કટ્ટરવાદી ઇસ્લામની વિરુદ્ધ છે. મોદીજીએ ટ્રમ્પ ચૂંટાય તે માટે અમેરિકામાં ‘હાઉડી મોદી’ અને અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કર્યો હતો. પરંતુ આ કંઈ વ્યક્તિગત ફાયદા માટે નથી. આનાથી ભારતને ફાયદો છે. ટ્રમ્પ આવ્યા પછી કેનેડામાં ટ્રુડોને ત્યાગપત્ર આપવો પડ્યો છે. ટ્રમ્પ ૨૦૧૬માં આવ્યા ત્યારે પણ પાકિસ્તાનને અમેરિકા તરફથી સહાય બંધ કરી દીધી હતી. ટ્રમ્પે વાયુ સેનાના જવાન અભિનંદનને પાકિસ્તાને પકડ્યો ત્યારે ભારત વતી ચેતવણી આપી હતી. અત્યારે ટ્રમ્પે હિન્દુ વિરોધી અને ભારત વિરોધી થઈ ગયેલા બાંગ્લાદેશ માટે ભારતે જે કરવું હોય તે કરવાની છૂટ આપી છે. શું આ ભારત માટે ફાયદારૂપ બાબત નથી?
ટ્રમ્પ પહેલાં ડેમોક્રેટના લેફ્ટ-લિબરલ બાઇડેનના શાસનમાં જ અમેરિકી રાજદ્વારીઓએ શૈખ હસીનાને ઉથલાવી મોહમ્મદ યુનૂસને સત્તામાં બેસાડ્યા અને તેનું પરિણામ આજે આપણે જોઈ શકીએ છીએ. યુનૂસના શાસનમાં બાંગ્લાદેશ કટ્ટર ઇસ્લામના માર્ગે ચાલી રહ્યું છે. બાંગ્લાદેશ બનાવનાર શૈખ મુજિબર રહેમાનની પ્રતિમા તોડી નાખવાનું હોય કે ત્યાંનું સંવિધાન બદલવાની વાત હોય, મહિલાઓની ફૂટબાલ મેચમાં આક્રમણ કરવાની વાત હોય કે હિન્દુઓનો નરસંહાર કરવાની વાત હોય, જે બાંગ્લાદેશને ખૂબ પ્રયત્નપૂર્વક શૈખ હસીનાએ કટ્ટરતાથી એકંદરે મુક્ત રાખ્યું હતું અને બાંગ્લાદેશની પ્રગતિની વાતો અહીંના મોદી વિરોધીઓ પણ કરતા થાકતા નહોતા તે બાંગ્લાદેશની અવગતિના મુદ્દે હવે તેઓ મૌન છે. કેટલાક તો એમ પણ લખે છે કે એ તો ભારતે શૈખ હસીનાને શરણ આપ્યું એટલે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તવાઈ આવી છે. અને આવું લખનારા ગુજરાતી છે.
એટલે અવૈધ રીતે કમાવા ગયા હોય અને તેમને પાછા મોકલે તેમાં સહાનુભૂતિ ઉપજી શકે તેવું હેડિંગ આપવું ન જોઈએ. ચોરને પકડવામાં આવે તો તેની સાથે ચોર જેવો જ વ્યવહાર થાય ને. તેમ, જે રીતે ભારતમાં અવૈધ રીતે ઘૂસી ગયેલા બાંગ્લાદેશી-રોહિંગ્યાઓ ઉત્પાત મચાવે તો આપણને આતંકવાદી લાગે તેમ અમેરિકામાં અવૈધ રીતે જે પકડાયા હોય તે અમેરિકાને તો આતંકવાદી જ લાગવાના ને? શું તેમને લાડવા આપીને મોકલે? તેમને હારતોરા કરીને મોકલે? આ કેવા પ્રકારનું પત્રકારત્વ ! તમને મોદી ન ગમતા હોય તો તેના સો વાંક કાઢો. દિલ્લી રેલવે મથક પર ભાગદોડથી મૃત્યુ કેમ થયાં તેની વાત કરો. તેમના રાજમાં હજુ પણ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ કેમ છે તે પ્રશ્ન ઉઠાવો. ૧૯૮૭માં અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનું તેમનું વચન હજુ કેમ પૂર્ણ નથી થયું તે પ્રશ્ન ઉઠાવો. સંસ્કૃતિની વાતો કરતી સરકાર દિલજીત દોસાંજની ઇલ્યૂમિનિટી નામના ગુપ્ત સંગઠનની છાપ ધરાવતી ‘દિલ્યૂમિનિટી’ કાન્સર્ટ અને ‘કાલ્ડપ્લે કાન્સર્ટ’ને અનુમતિ કેમ આપે છે તે પ્રશ્ન કરો. આ કાન્સર્ટમાંથી થયેલા વેપારની વાત ગુજરાતના પ્રધાન છાતી ફૂલાવીને કહે છે તેની સામે પ્રશ્ન કરો. ઘણા બધાને વડાપ્રધાનને મળવું હોય તો અસંભવ છે પરંતુ દિલજીત દોસાંજને કેમ મુલાકાત મળી જાય છે તે પ્રશ્ન કરો. આ એ જ દિલજીત દોસાંજ છે જેણે પંજાબમાં આરએસએસના નેતાઓની હત્યાના આરોપમાં પકડાયેલાને સમર્થન આપ્યું હતું. પરંતુ તેના બદલે જનતા ગેરમાર્ગે દોરાય તેવાં મથાળાં બાંધો છો કે ‘કમાણી કરવા ગયા હતા અને આતંકીની જેમ પાછા મોકલ્યા’?
રણવીર અલાહાબાદિયા અને સમય રૈનાએ અત્યંત નીચ ટીપ્પણી કરી. આ બંને જ નહોતા. મહીપસિંહ, અપૂર્વા મખીજા, રાખી સાવંત, પૂનમ પાંડે વગેરે અનેક લોકો તેના શામાં આવી આવી જ ખરાબ ટીપ્પણી કરી ચૂક્યા છે. પરંતુ કલમઘસુઓને રણવીર અલાહાબાદિયા સામે વાંધો પડે છે. અને વાંધો એ નથી કે તેણે ખરાબ ટીપ્પણી કરી. એને તો એક જ વાક્યમાં ઝાટકીને સંતોષ માને છે. મૂળ વાંધો એ છે કે રણવીર અગાઉ ઇસ્કાનના સંતથી માંડીને અનેક હસ્તીઓના સારા ઇન્ટરવ્યૂ કરી ચૂક્યો હતો. તેણે એક જિજ્ઞાસુની જેમ તંત્ર-મંત્રને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમને વાંધો એ છે કે રણવીર અલાહાબાદિયાના પગલે સાશિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ આવી જશે તો પોતે અશ્લીલ સામગ્રી કેમ મૂકી શકશે? વાસ્તવમાં તો આવા લોકો રણવીર અલાહાબાદિયાને પણ સારા કહેવડાવે તેવા છે. જાહેરમાં હોય તો અંદરખાને કેવા હશે તે કલ્પના કરી શકાય છે. પરંતુ રણવીર પર માછલાં વધુ ધોવાયાં કારણકે તેને વડાપ્રધાન મોદીના હસ્તે ઇન્ફ્લુઅન્સરનો એવાર્ડ મળ્યો હતો. એટલે વહેતી ગંગામાં હાથ ધોવા રણવીરનો મુદ્દો લઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જવાઈ. સાશિયલ મીડિયા પર ગંદકીનો વિરોધ કરનારા પણ આવું બધું જોતા હોય છે તેમ રાબેતા મુજબ લખ્યું. આવું કહીને વિરોધ કરનારા અંદરથી ગંદા હોય છે તેમ સાબિત કરવાનો આશય હોય છે. આવું કહી દેવામાં આવે એટલે વિરોધ કરનારા ચૂપ થઈ જાય.
વાસ્તવમાં આ ઉર્દૂવૂડની ટ્રાઇડ ફાર્મ્યૂલા છે. તેની ફિલ્મોમાં પણ આવું દર્શાવાય છે અને ફિલ્મ કલાકારો પણ આવો બોદો તર્ક કરતા હોય છે. રસ્તે ચાલતા ઉકરડો દેખાય તો તે ગંદકીનો વિરોધ જો કરવામાં આવે તો શું એમ કહેવાશે કે આ તો રસ્તામાં ઉકરડો જ જુએ છે? અને જો વિરોધ ન હોત તો તમારી જેમ મોડી રાતના જાગીને આ જ બધું જોયા કરતા હોત. વિરોધ કરે તો બંધ થવાની શક્યતા રહે ને? વિરોધ નહીં કરવાનો. ખીખીખી કરીને ખિખિયાટા કરવાના. ફેક આઈડીથી બધું જોયા કરવાનું.
આ લોકો સામ્યવાદીઓની જેમ ખોટું કરનારા બધાને ટેકો આપશે. શાહરુખનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાશે તો તથ્ય બહાર આવ્યા પહેલાં જ બાલિવૂડ સાફ્ટ ટાર્ગેટ છે, બાકી બીજા પણ ડ્રગ્સ લે જ છે તેમ કહી તેના સમર્થનમાં આવી જશે. સંજય દત્ત ૧૯૯૩ના બામ્બ ધડાકા કેસમાં પકડાશે તો તેના સમર્થનમાં પણ આવશે. સલમાન ખાન હિટ ઍન્ડ રન કેસમાં પકડાશે તો તેના સમર્થનમાં દલીલો કરશે. શ્રી રામમંદિર બનશે તો તેને તોડનાર બાબરે ગોહત્યા પર પ્રતિબંધ મૂકાવ્યો હતો તેમ કહી બાબરનું મહિમામંડન કરશે. ગાંધીજીના નામે હિન્દુઓને ગાળો ભાંડશે.
‘ઇસ દુનિયા મેં દો તરહ કે કીડે હોતે હૈ’ તેવો અમિતાભ બચ્ચનનો ‘હમ’ ફિલ્મનો સંવાદ આમ તો કામેડીમાં ખપી જાય છે અને એક જ સંવાદ અલગ-અલગ રીતે કેમ કહી શકાય તે અમિતાભની અભિનયકુશળતાનો એક નમૂનો ગણાય છે, પરંતુ જો સાંસ્કૃતિક પ્રદૂષણની રીતે આ સંવાદને મૂકવો હોય તો આ રીતે મૂકી શકાયઃ
ટાઇગરઃ ગોન્સાલ્વીસ, ઇસ દુનિયા મેં દો પ્રકાર કે પ્રદૂષણ હોતે હૈ. એક વો જો હવા, પાની ઔર ધ્વનિ મેં હોતા હૈ ઔર દૂસરા વો જો માનવ કે ગંદે દિમાગ સે ઉત્પન્ન હોતા હૈ…હવા, પાની ઔર ધ્વનિ કે પ્રદૂષણ સે માનવ બીમાર હોતા હૈ, લેકિન ગંદે દિમાગ કે પ્રદૂષણવાલો સે પૂરા સમાજ બીમાર હોતા હૈ…
અચ્છા…હવા, પાની ઔર ધ્વનિ મેં હોનેવાલે પ્રદૂષણ કો દૂર કિયા જા સકતા હૈ, કિન્તુ ગંદે દિમાગ સે ઉત્પન્ન પ્રદૂષણ કો દૂર કરને કે લિએ કોઈ ઉપાય બાજાર મેં હૈ હી નહીં.. નહીં હૈ બોલ. ગોન્સાલ્વીસઃ તૂ ક્યા કહના ચાહતા હૈ મૈં સમજ ગયા મેરે ભાઈ, યહી ના કિ ગંદે દિમાગવાલો સે દૂર રહને કા…ઉસ કા વિરોધ કરુંગા તો મેરી જાન ખતરે મેં હોગી…લેકિન વિરોધ નહીં કિયા તો યહાં પૈદા હોનેવાલા હર બચ્ચા ગંદે દિમાગવાલા બન જાયેગા…
ગુજરાતે આવું સાંસ્કૃતિક પ્રદૂષણ ફેલાવીને હિન્દુત્વને ડિસમેન્ટલ કરવા માગતા લોકોને સત્વરે ઓળખી લેવાની આવશ્યકતા છે. jaywant.pandya@gmail.com