ગુજરાતમાં ભૂતિયા શિક્ષકના મામલાનો અંત આવતો નથી. સાબરકાંઠામાં કુલ પાંચ શિક્ષકો સામે આવ્યા છે. એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશમાં છે. અન્ય ચાર શિક્ષકો મેડિકલ લીવ પર છે. આના પગલે શિક્ષણ વિભાગે તેમને નોટીસ ફટકારી છે.
આ અનિયમિત શિક્ષકોને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમને સાત દિવસમાં હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે. શિક્ષિકા હેમાંશી પટેલ માર્ચ ૨૦૨૩થી ગેરહાજર હતા. શિક્ષિકા સવા વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ અધિકારી હવે તેમની સામે કડક પગલાં લેશે.
આ ઉપરાંત સાબરકાંઠાને અડીને જ આવેલા બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા આપવામાં આવી છે.આ મુદ્દે જણાવતા તેમણે કહ્યું કે, ’૩૩ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાકે હજુ ૬ શિક્ષકો સામે બરતરફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.’
દાંતા તાલુકાના પાંછા શાળાની શિક્ષિકા અમેરિકામાં રહી શાળામાં નોકરી ચાલુ હોવાના ઉઠેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી આવા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, અને જે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી લાંબી રજાઓ કોઈપણ મંજૂરી વિના રાખી અને સ્કૂલમાં નથી આવતા તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ૩૩ શિક્ષકોને બરતરફ કરવાની કર્યા બાદ ૬ શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે, અને ખુલાસો માંગવામાં આવ્યો છે તેમના સામે પણ કડક કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકો રૂબરૂ હાજર થઈ શક્યા નથી માટે રાજીનામાંની કાર્યવાહી આગળ વધી શકી નથી તેમજ શિક્ષણ વિભાગના ૨૦૦૬ના મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી.