૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોને ૨૫૪૪.૨૭ કરોડ રૂપિયાનું જંગી ડોનેશન મળ્યું હતું, જેમાં ૨૦૦૦૦ રૂપિયાથી વધુનું ડોનેશન પણ સામેલ હતું. આમાંથી, ૨૦૨૩-૨૪માં ગુજરાતના રાજકીય પક્ષોને ૪૦૪.૫૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં ભાજપને ૪૦૧.૯૮ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર ૨.૪૫ કરોડ રૂપિયા મળ્યા હતા. આમ આદમી પાર્ટીને ૦.૦૭૫ કરોડ રૂપિયા મળ્યા હતા.

આંકડા મુજબ, ગુજરાતમાંથી કુલ ૨૧૫૩ ડોનેશનમાંથી, ભાજપને ૨૧૧૩ ડોનેશન મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ૩૫ ડોનેશન મળ્યા હતા. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા દાનની વિગતોનું વિશ્લેષણ કરતા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ મુજબ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ડોનેશનની રકમ કોંગ્રેસ, આપ  અને સીપીઆઇ એમ દ્વારા પ્રાપ્ત થયેલા કુલ ડોનેશનનાં છ ગણી છે.

કોર્પોરેટ અને વ્યક્તિઓ તરફથી કુલ ૧૨,૫૪૭ ડોનેશન મળ્યા હતા, જેમાંથી ૮,૪૫૮ લોકોએ ભાજપને અને ૧૯૯૪ લોકોએ કોંગ્રેસને ડોનેશન આપ્યું હતું. આમાંથી, ભાજપને કુલ ૨૨૪૩.૯૪ કરોડ રૂપિયા અને કોંગ્રેસને ૨૮૧.૪૮ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાં સૌથી વધુ ૯૮૯ કરોડ રૂપિયા દિલ્હીમાંથી આવ્યા હતા, ત્યારબાદ ગુજરાતમાંથી ૪૦૪.૫૧ કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાંથી ૩૩૪.૦૭ કરોડ રૂપિયા આવ્યા હતા.

ભાજપને ઘણા બિલ્ડરો અને બાંધકામ કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી લાખો અને કરોડો રૂપિયાના ડોનેશન મળ્યું હતું. જોકે, કોંગ્રેસને મળેલા ડોનેશનમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરત સોલંકી, ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી વગેરે જેવા અન્ય નેતાઓ દ્વારા આપવામાં આવેલા ડોનેશનનો સમાવેશ થાય છે. કોર્પોરેટ  હોય કે વ્યક્તિગત  અન્ય લોકો તરફથી કોંગ્રેસને મળેલા ડોનેશનની રકમ ખૂબ ઓછી છે.