ગુજરાત કોંગ્રેસ હવે પરિવર્તનની દિશામાં આગળ વધી રહી છે. આગામી ૧૫ એપ્રિલ પછી ગમે ત્યારે કોંગ્રેસનું નવું માળખું જાહેર થઈ શકે છે. ત્યારે સૌથી પહેલી કાતર કોના પર ફરશે તે અંગે ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ,એઆઇસીસી કોંગ્રેસના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા મક્કમ હવે મક્કમ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસથી સંગઠનના માળખામાં ફેરફારની શરૂઆત થશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની સત્તામાં વધારો કરાશે. આ માટે ૧૫ એપ્રિલે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે. જેઓ જિલ્લા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોની પસંદગી કરશે. ત્યારે નક્કી છે કે, રેસના ઘોડાને હવે કોંગ્રેસમાં દોડાવવાનો સમય આવી ગયો છે. તો સાથે જ લગ્નમાં નાચતા ઘોડાને પાર્ટી શોધી કાઢીને બહારનો રસ્તો બતાવાશે. આ ઉપરાંત નવી કોંગ્રેસની કમિટિમાં ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને મોટો રોલ મળી શકે છે.
કોંગ્રેસના આંતરિક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા પક્ષના નેતા તરીકે અમિત ચાવડા યથાવત રહે તેવી શક્્યતા છે. તો સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું કદ વધી શકે છે. ગેનીબેન ઠાકોરને સીડબલ્યુસીમાં સ્થાન મળી શકે છે. જિગ્નેશ મેવાણીને રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળી શકે છે તેવું કેટલાક નેતા સ્પષ્ટપણે માને છે.
ચર્ચા છે કે, વર્ષોથી એક જગ્યાએ ચીપકી રહેલા નેતાઓને સાઈડ લાઈન કરાશે. વર્ષોથી પાર્ટીમાં રહેલા આ નેતાઓનું વજૂદ હવે ખતરામાં આવશે. સાથે જ નિષ્ક્રીય નેતાઓને પણ પાણીચું આપીને બહારનો રસ્તો દેખાડાશે. પાર્ટીમાં યુવા નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. બીજી હરોળના સિનિયર નેતાઓના સંગઠનમાં મહત્વની ભૂમિકા મળશે. સાથે જ ગુજરાત કોંગ્રેસની જવાબદારી પ્રિયંકા ગાંધી, મધુસુદન મિસ્ત્રી અને તમિલનાડુના સાસંદ શશીકાન્ત સૈંથિલ સંભાળે તેવી શક્યતા છે.
હવે સવાલ એ છે કે કોણ છે પક્ષના ગદ્દારો. કોંગ્રેસ ભાજપ સાથે ભળેલા નેતાઓનું શું કરે છે અને ક્યારે એક્શન લેશે. કોંગ્રેસની નવી કમિટિમાં કોને નવો રોલ મળશે અને કયા નેતાઓને પાણીચું પકડાવી દેવાશે. કોંગ્રેસ ભાજપ સાથે ભળેલા સ્લીપર સેલને શોધીને તેમની સામે પગલા લે તેવી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ સ્પષ્ટ કહ્યું હતું કે, કામ નહિ કરનારા હવે સ્વૈચ્છીક નિવૃત્તિ લઈ લે.
રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં મલ્લીકાર્જુન ખડગેએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ હવે પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જરૂરથી સત્તા મેળવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હવે તમારી શક્તિ બતાવો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત સમગ્ર કોંગ્રેસ તમારી સાથે છે. હવે તમારે કાર્યકરોને સાથે લઇને લોકોને જાડવાના છે.