આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લામાં સ્થાનિક સંગઠનમાં ફેરબદલ કર્યા. ભાજપ દ્વારા દરેક જિલ્લામાં મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મંડળ પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી. પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે બે દિવસમાં ધડાધડ નિયુક્તિઓના પત્રો જાહેર થતા અનેક ઠેકાણે અસંતોષના ડખા શરૂ થયા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરામાં તો સોમવારે સાંજે જેવુ નામ પ્રમુખ તરીકે જાહેર થયુ કે હોહા શરૂ થતા ગણતરીના કલાકોમાં જ નવુ નામ જાહેર કરાયું હતું. અરવલ્લીમાં લોકસભા ચૂંટણી વખતે જેમ પહેલા ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપ્યા બાદ ઉમેદવાર બદલવા પડયા તેવી સ્થિતિ સર્જાઈ છે. એવી જ સ્થિતિ અહીં જોવા મળી હતી. અરવલ્લીના ધનસુરા મંડળ માટે પ્રદેશ કક્ષાએથી સંગઠન મંડળની રચના માટે ફલજીભાઈ ચૌધરીને જવાબદારી સોપાઈ હતી. સોમવારની સાંજે તેમણે જિલ્લાના છ તાલુકા અને બે શહેરના પ્રમુખોની નિમણૂંક કર્યાના પત્રો પાઠવ્યા હતા.

હાલમાં ચાલી રહેલી મંડળ પ્રમુખોની વરણીમાં માત્ર અરવલ્લીના ધનસુરા જ નહી પરંતુ, રાજકોટ જિલ્લાના મંડળોમાં નવા સુકાનીની પસંદગીને લઈને આંતરકલહ સપાટી ઉપર આવ્યો છે. જેના કારણે કેટલાક તાલુકાઓના પ્રમુખો જાહેર કરવાનુ ટાળી દેવાયુ છે.

મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં મંડળોના પ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપે સોમવારથી લઈને મંગળવાર સુધીમાં વોર્ડ- તાલુકાઓના ૫૮૦માંથી ૩૨૦ ઉપરાંત મંડળોમાં નવા પ્રમુખોની વરણી કરી છે. આમ ૫૦ ટકાથી વધુ મંડળોના પ્રમુખોની વરણી થતા હવે ૩૩ જિલ્લાઓ અને આઠ મહાનગરો મળી ૪૧ જિલ્લા કક્ષાના સંગઠનોમાં પ્રમુખોની નિયુક્તિનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે. સંભવતઃ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી હવે જિલ્લાઓમાં પ્રમુખો તેમજ ત્યારબાદ પ્રદેશના પ્રમુખની વરણી થશે.