છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. સચિવાલયમાં મંગળવારે ભાજપ અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેમજ નેતાઓ આવ્યા હતા. જેમાંથી કેટલાય ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તેમજ અન્ય મંત્રીઓની મુલાકાત લીધી હતી. જેને પગલે ફરીથી વિસ્તરણની ચર્ચા શરૂ થઈ છે. જે મુજબ, ૧૫મી જાન્યુઆરી બાદ કોઈપણ સમયે મંત્રીમંડળનુ વિસ્તરણ થઈ શકે છે. જેમાં કેટલાક ચોંકાવનારા અને મોટા ફેરફારોની સંભાવના જોવાઈ રહી છે. એ પહેલા ભાજપ સંગઠનમા સૌથી મોટી જવાબદારી ગણાતી જગ્યા એટલે કે પક્ષ પ્રમુખની નિમણૂક કરી દેવાશે.
ચર્ચા મુજબ, હાલના મંત્રીમંડળમાં રહેલા અનેક મંત્રીઓની કામગીરી ખુબ જ નબળી છે. વહીવટી તંત્ર ઉપર તેમનો કોઈ જ કાબુ નથી. કેટલાક મંત્રીઓ તો તેમના જ ડિપાર્ટમેન્ટના આઈએએસ સહીતના અધિકારીઓ જોડે ઝઘડતા હોય છે. મંત્રી અને જે તે વિભાગના વહીવટી તંત્ર સાથે કોઈ જ ટ્યુનીંગ દેખાતું નથી. જેને કારણે વિભાગની કામગરી ખોરંભે પડે છે. આ પ્રકારની અનેક બાબતોની જાણકારી મુખ્યમંત્રીને પહોંચાડી દેવાઈ છે. એટલું જ નહી, દિલ્હી ભાજપ હાઈ કમાન્ડને પણ હવે આ વિગતોની જાણકારી આપી દેવાઈ છે.
અગાઉની ચર્ચા મુજબ, હાલના મંત્રીમંડળમાં ત્રણથી ચાર નાના ફેરફારો થવાના હતા હવે છેલ્લી ચર્ચા મુજબ તેમાં મોટા ફેરફારો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે મંત્રીઓનુ પરફોર્મન્સ નબળુ છે. તેમની હકાલપટ્ટી નિશ્ચિત છે. એટલુ જ નહી, કેટલાક મંત્રીઓને ભાજપના સંગઠનની જવાબદારી સોંપાશે. જેને કારણે પણ તેઓને મંત્રીપદ છોડવાની ફરજ પડશે. તેની સામે મુળ કોંગ્રેસી ગણાતા પરંતુ પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવી ગયેલા અને ચૂંટણી જીતી ગયેલા અમુક નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. જ્યારે ભાજપના મહત્વના કેટલાક મંત્રીઓને સાઈડલાઈન કરવામાં આવે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે.
ખૂબ મોટા ફેરફારો થવાની સંભાવના હોવાની ચર્ચા થઈ રહી હોવાથી સચિવાલયમાં મંત્રીઓ તેમજ સનદી અધિકારીઓ પણ એકબીજાને પૂછી રહ્યાં છે કે, ખુબ મોટા ફેરફારો એટલે કેવા પ્રકારના ફેરફારો થશે ? જાન્યુઆરી મહીનામાં જ ભાજપના નવા પક્ષ પ્રમુખની નિમણૂક થઈ જશે તેમજ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ જશે એવો વિશ્વાસ ભાજપના સિનિયર નેતાઓને છે.