રાજય પોલીસ વડાએ ૧૦૦ કલાકમાં અસમાજિક તત્વોની યાદી બનાવવાનો આદેશ આપ્યા બાદ અમરેલી પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં માથાભારે ઈસમોની યાદી તૈયાર થઈ હોવાનું જણાવ્યું છે. આ અંગે એલસીબી પીઆઈ વિજય કોલાદરાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૧૧૩ માથાભારે ઈસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. જિલ્લામાં પ્રોહિબિશન, જુગારની પ્રવૃત્તિ ચાલુ હોય તેમજ શરીર સંબંધી ગુના આચરેલા હોય, મિલકત સબંધી ગુના કરેલા હોય, ખંડણી ઉઘરાણીમાં સંડોવાયેલા હોય, ખનીજચોરીના ગુના દાખલ હોય અને હાલમાં પ્રવૃત્તિ ચાલુ હોય તેમજ અન્ય કોઈ પ્રવૃત્તિ જેમાં લોકોને ભયની લાગણી અનુભવાતી હોય તેવા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આવા ગુનેગારોએ જા ગેરકાયદેસર જગ્યા પર બાંધકામ કરેલ હોય એટલે નગરપાલિકા કે ગ્રામપંચાયતની જમીન પર દબાણ કરેલ હોય તો તંત્ર સાથે સંકલન કરી ગેરકાયદેસર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. ગેરકાયદેસર જમીન, વાડી કે મકાનમાં ગેરકાયદેસર વીજજાડાણ લીધુ હોય તો આવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવશે. આમ, અમરેલી જિલ્લા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૧૧૩ ઈસમની યાદી તૈયાર કરતા આવનારા સમયમાં આવા ઈસમો સામે કડક કાર્યવાહી ધરવામાં આવશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.