સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામમાં આરડબ્લ્યુએ ફેઝ ૧ થી ૫ માં ગેરકાયદેસર બાંધકામો સામેના ડિમોલિશન અભિયાનને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે અને યથાસ્થિતિ જેમની તેમ રાખવાનો આદેશ આપ્યો છે.ન્યાયાધીશ જેકે મહેશ્વરી અને અરવિંદ કુમારની બેન્ચે આરડબલ્યુએ કુતુબ એન્ક્લેવ રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન (આરડબલ્યુએ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ અરજીમાં હરિયાણા સરકારના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગની કાર્યવાહીને પડકારવામાં આવી હતી.
બેન્ચે હરિયાણા સરકારને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો અને કહ્યું, ‘આગામી સુનાવણી સુધી, બધા પક્ષો યથાસ્થિતિ જાળવી રાખશે.’ આ સાથે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે RWA કોઈપણ બાંધકામ તોડી પાડશે નહીં.આરડબ્લ્યુએ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઇન્દીરા જયસિંહે દલીલ કરી હતી કે ડીએલએફના આ રહેણાંક વિસ્તારો ૨૦૦૮ થી ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ છે અને ફક્ત તે જ કોઈપણ મિલકતને તોડી પાડવા જેવી કાર્યવાહી કરી શકે છે, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગ નહીં. અગાઉ, ૧૩ ફેબ્રુઆરીના રોજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે ડીએલએફના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અને વાણિજયક ઉપયોગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ૧૯ એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે.
હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, ‘કેટલાક શક્તિશાળી લોકો અને વહીવટીતંત્રની મિલીભગતથી વસાહતનું મૂળ સ્વરૂપ નષ્ટ થઈ રહ્યું છે, અને અધિકારીઓએ તેના પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.’ આ પછી, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગે ૪૦૦૦ થી વધુ નોટિસ જારી કરી અને ૨૦૦૦ થી વધુ ઘરોને તેમની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો.આરડબ્લ્યુએ કહે છે કે હાઈકોર્ટે અગાઉ ૨૦૧૨ માં કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વિભાગનો કોઈ અધિકારક્ષેત્ર નથી, પરંતુ હવે તે જ વિભાગને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.આરડલ્યુએએ પણ આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટે તેમને સાંભળ્યા વિના જ નિર્ણય આપ્યો.જ્યારે વિભાગની ટીમ ડિમોલિશન માટે ડીએલએફ પહોંચી, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે તેમને કાર્યવાહી અટકાવવી પડી.