કેનેડાના વાનકુવરમાં પોલીસે ગયા અઠવાડિયે રોસ સ્ટ્રીટ પર ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારામાં તોડફોડ કરવાના શંકાસ્પદ વાહન અને બે લોકોની તસવીરો જાહેર કરી છે. વાનકુવર સનના અહેવાલ મુજબ, શનિવારે સવારે જ્યારે ગુરુદ્વારા પર અંગ્રેજી અને પંજાબી બંને ભાષામાં ગ્રેફિટી છાંટવામાં આવી ત્યારે શંકાસ્પદ લોકો ગુરુદ્વારાની બહાર હતા. આમાં અપશબ્દોનો પણ સમાવેશ થતો હતો. પોલીસે તેમના ફોટા જાહેર કર્યા છે અને જે કોઈ તેમને ઓળખે છે તેમને પોલીસ અથવા સાર્જન્ટનો સંપર્ક કરવા વિનંતી કરી છે.
વાનકુવર પોલીસ વિભાગના પ્રવક્તા સ્ટીવ એડિસને જણાવ્યું હતું કે, શનિવારે સવારે ૪ થી ૪ઃ૩૦ વાગ્યાની વચ્ચે, ગુના સમયે વાહન આ વિસ્તારમાંથી પસાર થયું હતું. અમારું માનવું છે કે આ લોકો પાસે ગુના અને પ્રેરણા વિશે માહિતી હોઈ શકે છે. એડિસને જણાવ્યું હતું કે, બે માણસો, જે વાહન, એક ટ્રક સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે, ગુરુદ્વારાના આગળના પ્રવેશદ્વાર પાસે આવ્યા.
આ સાથે પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિએ પીળી ટોપી, જેકેટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. બીજાએ કાળા પેન્ટ સાથે ગ્રે હૂડી પહેરી હતી. રોસ સ્ટ્રીટ ગુરુદ્વારા ચલાવતી ખાલસા દિવાન સોસાયટીએ તોડફોડ માટે ખાલિસ્તાનની હિમાયત કરતા શીખ અલગતાવાદીઓના નાના જૂથને જવાબદાર ઠેરવ્યું.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગતાવાદીઓએ તાજેતરમાં એક મંદિર અને પછી ભારતીય હાઈ કમિશન, આ વખતે ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. ખાલસા દીવાન સોસાયટીના જણાવ્યા અનુસાર, તોડફોડ કરનારાઓએ વાનકુવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારામાં તોડફોડ કરી હતી અને તેના પર “ખાલિસ્તાન ઝિંદાબાદ” સ્પ્રે પેઇન્ટિગ કર્યું હતું. આ તોડફોડનો આરોપ ખાલિસ્તાનની માંગણી કરતા શીખ અલગતાવાદીઓના નાના જૂથ પર મૂકવામાં આવ્યો છે.