પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગેરકાયદે રહેતા લોકોને ઓળખીને દેશની બહાર કરવાની ઝૂંબેશ મોટાપાયે શરૂ કરી દેવાઇ છે.. જે અંતર્ગત અમદાવાદ પોલીસે ૮૯૦ અને સુરત પોલીસે ૧૩૪ લોકોની અટકાયત કરી છે. ગુજરાત પોલીસનું આ આજ દિન સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગેરકાયદે રીતે ગુજરાતમાં રહેતા હોય તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ જાય. નહીંતર કડક પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે આવા તમામ લોકો જાતે જ પોલીસ સમક્ષ સરેન્ડર કરે, નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે. તેમણે કહ્યું કે જે ઘૂસણખોરને જે આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ શહેરોમાં રહેતા લોકોને વીણી વીણીને પોલીસ પકડી રહી છે. અગાઉ ઝડપાયેલા બાંગ્લાદેશી લોકોમાં અનેક એવા હતા જે ડ્રગ્સ કાર્ટિગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હતા ઉપરાંત કેટલાક અલકાયદા માટે સ્લીપર શેલ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદમાં ૮૯૦ ગેરકાયદે બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે. જેમાં ૪૭૦ પુરુષ અને બાકી મહિલા અને બાળકો છે. સુરતમાં પણ ૧૩૫ ગેરકાયદેસર બાંગલાદેશી નાગરિકોની અટકાયત કરાઇ છે. સ્થાનિક પોલીસે કેન્દ્રીય એજન્સીને સાથે રાખી તમામની પુછપરછ કરી હતી.