ગોંડલથી ગુમ થયેલા રાજકુમાર જાટનો રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આ અંગેની સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુમ થનારા રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાનના પિતા રતનલાલ જાટે આરોપ લગાવતા કહ્યું છે કે, “મારા દીકરાની હત્યા થઈ છે તેનો અકસ્માત નથી થયો.” નોંધનીય છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર માર્યાનો પિતાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૨ માર્ચ ૨૦૨૩ના રોજ પિતા-પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાઈ રહ્યા છે. ૩ માર્ચના રોજ રાત્રિના ૨ વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. ત્રણ તારીખના રોજ સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો. ચાર તારીખના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્રમમાંથી નીકળ્યાના ૫૦૦ મીટર દૂર રોડ અકસ્માતમાં મોત થયું હતું.
ચાર માર્ચના રોજ રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવવામાં સામે આવી રહ્યું છે. નવ માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી હતી. મૃતકના મૃતદેહનું પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી છે.
આજે યુવકના પિતાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું છે કે, “મને ખબર નથી પડતી કે અમારી સાથે શું થઈ રહ્યું છે. દીકરાના ફૂટેજ જાઈને કહ્યું કે, આ મારો છોકરો નથી. કારણ કે એને લાલ રંગનું શર્ટ પહેરાવવામાં આવ્યું હતું. પરંતુ મને જ્યારે મૃતદેહાગારમાં લઈ જવામાં આવ્યો ત્યારે મેં મારા દીકરાને ઓળખી લીધો છે. આમાં એક વાત તો ચોક્કસ છે કે, મારા દીકરાનો અકસ્માત તો નથી જ થયો. દીકરાને ટોલનાકાથી ઉપાડીને માર માર્યો છે. મારા દીકરાને મારીને ત્યાં નાખવામાં આવ્યો છે.” આ પહેલા પણ પિતાએ મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગણેશ જાડેજાના માણસોએ માર માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો. ગણેશ જાડેજાના માણસો સાથે બબાલ પછીથી જ યુવક ગુમ છે. પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાના પ્રયાસનો આક્ષેપ પણ કરાયો છે. આ સાથે તેમણે જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે, રાજકુમાર જાટ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી. યુવકની બહેને જણાવ્યું હતું કે, “મારો ભાઈ એવો નથી કે રસ્તે ચાલતા લોકોને મારે. કોઈએ તેને માર માર્યો હશે તેથી જ તેણે પ્રતિકાર કર્યો હોય શકે. આ સ્પષ્ટ મર્ડર છે.”
આ આખા મામલામાં રાજસ્થાનના એમપી અને ખેડૂત નેતાએ પોતાના એક્સ પર આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં એક શક્તિશાળી ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ. હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના સભ્યોને અપીલ કરું છું કે તેઓ આ કટોકટીમાં આ પરિવારને મદદ કરે અને ન્યાય માટેની તેમની લડાઈમાં તેમને ટેકો આપે.”
ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ અંગે એક્સ પર એક ટિપ્પણી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, “ગુજરાતના ગોંડલમાં ગુમ થયેલા યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યા બાદ, મૃતકના પરિવારજનોએ ભાજપના ધારાસભ્યના પરિવાર પર શંકાસ્પદ હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારને ન્યાય મળે તે માટે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે આજે નિયમ ૧૧૬ હેઠળ ચર્ચાની માંગ કરી છે અને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.”