ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલા એક વેરહાઉસમાંથી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (નાફેડ)ની રૂપિયા ૭.૪૯ લાખની કિંમતની ૨૮૭ બોરી મગફળીની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના પગલે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. ફરિયાદી અરવિંદભાઈ મીણાએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય ભંડાર નિગમમાં સહાયક તરીકે કાર્યરત છે અને તેમની દેખરેખ હેઠળ ગોંડલ તથા જસદણમાં કુલ ૧૨૦ વેરહાઉસ આવેલા છે. ચોરડી ગામે પ્લોટ નંબર ૭ અને ૮ માં આવેલું હરસિધ્ધી કેટરફીડ નામનું ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું, જેમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ગત તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ સુપરવાઇઝર રવીભાઈ મકવાણાએ અરવિંદભાઈને ફોન કરીને ગોડાઉનના દરવાજાનું તાળું તૂટેલું હોવાની અને બહાર મગફળી ઢોળાયેલી હોવાની જાણ કરી હતી. સ્થળ પર પહોંચીને તપાસ કરતાં ગોડાઉનના ત્રણ સ્ટેગમાંથી કુલ ૨૮૭ બોરી મગફળી (કિંમત રૂ. ૨૬૧૦ પ્રતિ બોરી) ચોરાઈ હોવાનું માલુમ પડ્‌યું હતું, જેની કુલ કિંમત રૂ. ૭.૪૯ લાખ થાય છે.