ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આંતક ફેલાવતા દીપડાને મહામહેનતે ફોરેસ્ટ વિભાગે પાંજરામાં કેદ કર્યાને ગણતરીના દિવસો વિત્યા છે ત્યારે સાજડીયાળી ગામે હિતેન્દ્રસિંહ સરવૈયાની વાડીએ બાંધેલ પાડીનું વધુ એક દીપડાએ મારણ કર્યુ હતું. આથી ગ્રામજનો અને ખેડૂતો, મજૂરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ ઘટનાની જાણ ગામના સરપંચ વિજયભાઈ સોરઠીયા દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. આથી આર.એફ.ઓ. દીપકસિંહ જાડેજાએ ટ્રેકર ટીમ મારફત વાડીમાં પાંજરુ ગોઠવીને દીપડાને પાંજરામાં કેદ કરવાની કવાયત હાથ ધરી હતી. રાત્રીના મારણની જગ્યાએ દીપડો આવી ચડતા દીપડો માત્ર એક જ કલાકમાં કેદ થતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ આ દીપડાને સાસણ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.