મહેસાણા પંથકના પ્રેમી પંખીડાએ પુત્ર સાથે ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપઘાત કરતા પૂર્વે પ્રેમી પંખીડાએ સેલ્ફી ફોટો લીધો હોવાનો પણ સામે આવ્યું છે. સાથે જ સેલ્ફી ફોટો લઈને વોટ્‌સએપના સ્ટેટસમાં અપલોડ કરીને “છેલ્લો ફોટો” નામનું વાક્ય પણ લખ્યું હતું. સાથે જ યુવકે પોતાના મિત્રોને લોકેશન પણ મોકલી આપ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર, મહેસાણાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર (ઉવ.૨૨) તેમજ કિંજલ જશવંતજી ઠાકોર (ઉવ.૨૨) તેમજ ધ્રુવીન જશવંતજી ઠાકોર (ઉવ.૨)ના મૃતદેહો વેરી તળાવના પાણીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રણેયની લાશને પીએમ અર્થે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે મોકલવામાં આવી છે. સંજય અને કિંજલ બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે. તેમજ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી પ્રેમસંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમી પંખીડા લિંચ ગામથી નાસી જઈ ગોંડલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તળાવની પાળ પર બેસીને ત્રણેય અંતિમ ફોટો પણ પાડ્યો હોવાનું સામે આવ્યું છે. અંતિમ ફોટો પાડીને સંજયે તેના વોટ્‌સએપ સ્ટેટસમાં પણ મૂક્યો હતો. સાથે જ પોતાના મિત્રોને મોબાઇલનું લોકેશન પણ મોકલી આપ્યું હતું.