સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ ૧૪૦૦થી વધુ વાહનોની ૪ થી ૫ કિ.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગત રાત્રીના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. આજરોજ યાર્ડમાં અંદાજે ૧ લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં ૨૦ કિલોનો રૂ.૧૫૦ થી રૂ.૯૦૦ સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી મોટી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. જેને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી હતી.