સૌરાષ્ટ્ર અને ગુજરાતનું મોખરાનું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને અગ્ર સ્થાન ધરાવે છે. ૬ દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટીંગ યાર્ડ ઉભરાયું હતું. યાર્ડમાં બે દિવસ પહેલાથી આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ બાજુમાં આવેલ જગ્યામાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેમાં ધાણા, ઘઉં, ડુંગળી, કપાસ, લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડના ગ્રાઉન્ડ અને છાપરા જણસીથી ખીચોખીચ ભરાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ અને હિસાબી વર્ષ પૂર્ણ થતાં તમામ જણસીની આવક શરૂ કરવામાં આવી હતી. એક જ દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૨.૨૫ લાખથી વધુ ગુણી ધાણા તેમજ ઘઉંના ૭૫ હજારથી વધુ કટ્ટાની આવક નોંધાઈ હતી.