રાજકોટ ભાવનગર હાઇવે પર અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર સામસામી અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અલ્ટો કાર અગનગોળો બની ગઈ હતી. અલ્ટો કારમાં ૮ લોકો સવાર હતા. જેમાં કારમાં સવાર ગોંડલનાં માતા પુત્રી સહિત ૪ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોના પી.એમ. કરાયા બાદ મૃતદેહને પરિવાજનોને સોંપવામાં આવ્યા હતા. મૃતદેહો ગોંડલ પંહોચતા વિજયનગર શોકમગ્ન બની હિબકે ચડયુ હતું અને રુદનનો માહોલ સર્જાયો હતો. બપોરે ચારેયની અંતિમયાત્રા સાથે નીકળતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતી. જ્યારે સ્મશાનમાં માતા નિરુપાબેન તથા તેમની ચાર વર્ષની માસુમ પુત્રી હેતવીને એક જ ચિતા પર અગ્નિદાહ અપાયો ત્યારે પાષાણ હૃદયનાં માનવીનું હૈયુ રડી પડે તેમ તમામની આંખો ભીની થઇ હતી. અકસ્માતમાં આગની લપેટમાં હોમાયેલા હિમાંશીબેનનાં લગ્ન હજુ બે મહિના પહેલા ફેબ્રુઆરીમાં શાહીલભાઈ સરવૈયા સાથે થયા હતા.