હાલમાં, સરકાર દ્વારા પશુ દીઠ માત્ર રૂ. ૩૦ નિભાવ ખર્ચ પેટે આપવામાં આવે છે

બગસરા,તા.ર૩
ગૌસેવા સમિતિ શ્રી સીયારામ ગૌશાળા દ્વારા બગસરા મામલદારને આવેદન આપીને ગૌશાળાઓ અને પાંજરાપોળમાં રહેતા પશુઓના નિભાવ ખર્ચમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં, સરકાર દ્વારા પશુ દીઠ માત્ર રૂ. ૩૦ નિભાવ ખર્ચ પેટે આપવામાં આવે છે, જે ખર્ચમાં વધારો થયો હોવાથી પશુઓનો યોગ્ય નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યું છે. ઘણા પશુઓને પૂરતો ખોરાક અને દવા ન મળી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકારને પશુ દીઠ નિભાવ ખર્ચ વધારીને રૂ. ૧૦૦ કરવાની માંગ કરી છે. આ વધારાના નાણાંથી પશુઓને પૂરતો ખોરાક, દવા અને સંભાળ મળી શકશે. આવેદનપત્રમાં ગૌશાળાઓ અને પાંજરાપોળમાં રહેતા પશુઓની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સત્વરે યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. આ માંગણીને શહેર અને ગામડાના ગૌશાળા અને પાંજરાપોળના તમામ આગેવાનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.