રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન અને સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે.
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ બોર્ડના તાલીમ ઘટક હેઠળ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા તાલુકાના ખેડૂત બહેનો માટે કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ -દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું. આ તાલીમમાં ખેડૂત બહેનોને
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, રસાયણમુક્ત ખેતી, ભવિષ્યના વિવિધ ખેતીલક્ષી લાભ સહિતના વિષયોને આવરી લઇ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં
ખેડૂતોને ત્યાં મુલાકાત કરવામાં આવે છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે ખેતીલક્ષી માહિતીનું આદાન-પ્રદાન પણ કરવામાં આવે છે. ઘન જીવામૃતનું મહત્વ અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં ગાયના મહત્વ વિશે પણ આત્મા સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના ખેતીલક્ષી અનુભવો જણાવ્યા હતા. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે પ્રાકૃતિક કૃષિ વિષયક સેમિનાર, સંવાદ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સહિત મહિલા ખેડૂતો પણ જોડાઇને માર્ગદર્શન પ્રાપ્ત કરે છે.
ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્રો વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શકતી નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત – ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકિય સુવિધાના નિર્માણ માટે રુ.૧.૨૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જોતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે.
આલેખન ધર્મેશ વાળા