ચલાલા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં આવેલા વાલ્મીકી વિસ્તાર, શાંતિનગર અને મહાદેવ પરા વિસ્તારમાં રાગદ્વેષપૂર્વક ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચોક-અપ થવાના કારણે દુર્ગંધયુક્ત પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડિયાની રજૂઆતના પગલે ભાવનગરથી હેવી જેટિંગ મશીન મોકલવામાં આવ્યું હતું. જોકે, નગરપાલિકાના એન્જિનિયર રાહુલ ગોસ્વામી અને એસબીએમ એન્જિનિયર ઋત્વિક કાબરિયા દ્વારા વોર્ડ નં.૪ની અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ નગરપાલિકા પ્રમુખના પતિ અને ભાજપના વરિષ્ઠ આગેવાન પ્રકાશભાઈ કારિયાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી બંને એન્જિનિયરો સામે કાર્યવાહીની માંગ કરી છે.