ચાંચબંદર ગામે રાજુલા જાફરાબાદ સોલ્ટ એસોસિએશન દ્વારા અગરીયાઓ એકઠા થયા હતા અને અપુરતા ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ગામમાં ગુજરાત હેવી કેમિકલ લીમીટેડ કંપની સામે અગરીયાઓએ મોરચો માંડયો હતો અને કામ બંધ કરાવ્યુ હતું. ભાવનગર વિસ્તારમાં મીઠાના ભાવ એક મેટ્રિક ટનના રૂપિયા ૧૦૦૮ આપવામાં આવી રહ્યાં છે. જયારે રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં રૂપિયા ૭૭૫ આપવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે અગરીયાઓ એકઠા થયા હતા અને કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત હેવી કેમિકલ કંપની ચાંચબંદર ખેરા ગામની જમીન પર સરકારની પાસેથી લીઝ પર જમીન લઇ વર્ષોથી મીઠાનું ઉત્પાદન કરે છે. પરંતુ ગ્રામજનો અને કંપની વચ્ચે પ્રથમ વખત વિવાદ ઉભો થયો છે. અહી મોટી સંખ્યામાં અગરીયાઓ કંપની સામે એકઠા થયા હતા અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જો કે પીપાવાવ મરીન પોલીસ અહી દોડી આવી હતી અને લોકોને કંપનીમાં જતા અટકાવ્યા હતા. થોડીવાર માટે પોલીસ સાથે ચકમક થઇ હતી. જો કે બાદમાં મામલો થાળે પડયો હતો.