મહારાષ્ટ્ર રાજ્યમાં ૮ અલગ-અલગ સ્થળ પર ગણપતિ દાદાના પાવન મંદિરો આવેલાં છે. આ ૮ ગણપતિ મંદિર એટલે, અષ્ટવિનાયક મંદિરો જે સ્વયંભૂ છે. મયૂરેશ્વર મંદિર ( મોરગાંવ), ચિંતામણિ વિનાયક મંદિર ( થેઉર ), મહાગણપતિ મંદિર ( રાજણગાંવ ), સિદ્ધિવિનાયક મંદિર ( સિદ્ધટેક ), વિઘ્નેશ્વર મંદિર ( ઓઝર ), ગિરિજાત્મજ મંદિર ( લેણ્યાદ્રી ), બલ્લાળેશ્વર મંદિર ( પાલી ), વરદ વિનાયક મંદિર ( મહાડ)….ગણપતિ દાદાના મંદિરની યાત્રાને અષ્ટવિનાયક યાત્રા કહે છે.
(૧) ચિંતામણિ વિનાયક મંદિર ( થેઉર ):
મહારાષ્ટ્રના પૂના જિલ્લાના હવેલી તાલુકાના થેઉર ગામમાં મૂળા-મૂઠા નદી કિનારે ચિંતામણિ વિનાયક મંદિર આવેલું છે. અહીં ગણપતિ દાદાની મૂર્તિએ ગળામાં ચિંતામણિ રત્ન ધારણ કરેલું હોવાથી તેઓ ચિંતામણિના નામે ઓળખાય છે. ચિંતામણિ વિનાયકના આ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તરાભિમુખ છે. અહીં ભગવાન ચિંતામણિની ડાબી સૂંઢ ધરાવતી મૂર્તિ પૂર્વાભિમુખ પલાંઠીવાળીને બિરાજમાન છે. મંદિરનો સભાખંડ કાષ્ઠમાંથી અને પ્રાચીન કલાત્મક કોતરણીસભર બનાવેલો છે.
પૂનાથી થેઉરનું અંતર આશરે ૧૪ કિમી જેટલું છે. આ મંદિરે પહોંચવા માટે પૂનાથી બસ સુવિધા મળી રહે છે.
(૨) ગિરિજાત્મજ મંદિર ( લેણ્યાદ્રી ):
મહારાષ્ટ્રના પૂનાથી લગભગ ૬૦ કિ.મી.ના અંતરે લેણ્યાદ્રી પર્વત પર આવેલી બૌદ્ધકાલીન ગુફાઓમાં આવેલું ગિરિજાત્મજ મંદિર પોતાના નયનરમ્ય વિસ્તારને કારણે હરિયાળું લાગે છે. આ ગિરિજાત્મજ મંદિર બૌદ્ધ મૂળની ૧૮ ગુફાના ગુફા સંકુલની વચ્ચે નિર્માણ પામેલું છે. આ મંદિર ૮મી ગુફાની મધ્યમાં આવેલું છે. આ મંદિર ગણેશ-લેનીના નામે પણ ઓળખાય છે.
કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણમાં આવેલું આ મંદિર ૫૦ ફૂટ પહોળું અને ૬૦ ફૂટ લાંબું છે, મંદિરની ખાસ વિશેષતા એ છે કે, જે કોઈપણ સ્તંભના આધાર વગર અડીખમ ઊભેલું છે. ‘ગિરિજાત્મજ વિનાયક’ના નામે બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ગુફાની દિવાલ પર સુંદર રીતે કંડારેલી છે, જે ઉત્તરાભિમુખ છે. પહાડી સુધી પહોચવા માટે આશરે ૩૨૫ જેટલાં પગથિયાં ચઢવા પડે છે, ત્યારે તમે ગુફા સુધી પહોંચી શકો છે. અહીંની દરેક ગુફાની સામ્યતા અજંતાની ગુફા જેવી છે. શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
લેણ્યાદ્રી પૂનાથી ૯૪ કિ.મી.ના અંતરે આવેલું છે. પૂનાથી તાલીગાલ વાયા જુન્નર સુધી સડકમાર્ગે જઈ, ત્યાંથી બસ દ્વારા પહોંચાય છે. પૂના-નાસિક હાઈવેથી ચક્રના, રાજગુરૂનગર, મંચર થઈ નારાયણગાંવ પહોંચાય છે. નારાયણગાંવથી જુન્નર રોડ થઈ લેણ્યાદ્રી પહોંચાય છે.
(૩) મયૂરેશ્વર મંદિર ( મોરગાંવ ):
મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના પુરંદર તાલુકામાં મોરગાંવની મધ્યમાં આવેલા મયૂરેશ્વર મંદિરમાં આજે પણ મોરના ટહુકા સંભળાય છે. મયૂરેશ્વર આકારમાં મોર પર સવારી કરતા ગણપતિ દાદાની મૂર્તિએ આ સ્થળે સિંધુ રાક્ષસનો વધ કર્યો હોવાનું મનાય છે. પ્રાચીન કથા મુજબ આ સ્થળે અસંખ્ય મોર વસતા હતા અને ભગવાન ગણપતિએ અસુરોનો વિનાશ મોર પર બિરાજમાન થઈને કર્યો હોવાથી આ સ્થળ મયૂરેશ્વર કે મોરેશ્વરના નામથી ઓળખાય છે. ગામની પાસે જ કર્હા નદીના જળ અવિરત વહ્યા કરે છે.
ગણપતિના આ મંદિરની ભવ્યતા અદભુત છે. કાળા પથ્થરમાંથી નિર્માણ પામેલા આ મંદિરમાં ૪ દરવાજા છે, મંદિરના ચારેય ખૂણામાં સ્તંભ આવેલા છે, તથા મંદિરની આઠેય દિશામાં ગણપતિ દાદાના આઠ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરાયેલી છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મયૂરેશ્વરની ડાબી સૂંઢવાળી પૂર્વાભિમુખ પ્રસન્ન મુદ્રા ઘરાવતી મૂર્તિ છે. મૂર્તિની બંને બાજુએ રિદ્ધિ-સિદ્ધિની ધાતુની સુંદર મૂર્તિઓ આવેલી છે. તેની સામે ગણપતિના વાહન ઉંદર અને મોરની પ્રતિમાઓ દર્શનીય છે.
સડક માર્ગે પૂનાથી મોરગાંવ આશરે ૬૭ કિમીના અંતરે આવેલું છે. રેલમાર્ગે જંજુરી તથા નીરા સુધી જઈ, ત્યાંથી સડક માર્ગે મોરગાંવ જવું પડે છે.
(૪) વિઘ્નેશ્વર મંદિર ( ઓઝર ):
મહારાષ્ટ્રના જુન્નર તાલુકાના ઓઝર ગામમાં કુકડી નદીના કિનારે આવેલા વિÎનેશ્વર મંદિરેથી શિવનેરી કિલ્લા તથા લેણ્યાદ્રી પર્વતની હરિયાળીને માણી શકાય છે. આ મંદિર અષ્ટવિનાયક મંદિરોમાં સૌથી વધુ સમૃદ્ધ મંદિર છે. આ મંદિરનું શિખર સોનાનું બનેલું છે તથા મંદિરની ચારેબાજુ પથ્થરની દીવાલ કરાયેલી છે. મંદિરમાં વિÎનેશ્વર વિનાયકની મૂર્તિ પૂર્વાભિમુખ અને ડાબી સૂંઢવાળી છે. વિÎનેશ્વર દાદાની બંને બાજુ પર રિદ્ધિ- સિદ્ધિની મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. ભાવિક ભક્તો વિÎનેશ્વર દાદાના દર્શનમાત્રથી પોતાનાં દરેક પ્રકારનાં દુઃખ ભૂલી જાય છે. અહીં કાર્તિક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે તેમજ ૪ દિવસ સુધી ઉત્સવ ઊજવાય છે.
વિÎનેશ્વર મંદિરે પહોંચવા માટે સડકમાર્ગે મુંબઈ, પૂનાથી નારાયણગાંવ સુધી જઈ શકાય છે. નારાયણગાંવથી આશરે ૧૨ કિ.મી.ના અંતરે ઓઝાર ગામ આવેલું છે. પૂનાથી ઓઝાર લગભગ ૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.