સ્વામિનારાયણ ગુરુકુળ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ ચિતલ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક જાગૃતિ અને ઇમરજન્સી સેવાઓ અંગે માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક સ્વામી હરિસ્વરૂપદાસજી અને શાસ્ત્રી સ્વામી હરીચરણદાસજી તેમજ સંચાલકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ટ્રાફિક વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને તેના પાલનની આવશ્યકતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રતિનિધિઓએ કટોકટી સમયે માનવજીવન બચાવવા માટેની મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના મનમાં ઉદભવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકગણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.