અમરેલી જિલ્લામાં ચોરી, લૂંટ, હત્યા, મારામારી જેવા બનાવો સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે અમરેલી તાલુકાના ચિત્તલ ગામે ભરબપોરે વિપ્ર પ્રૌઢાની નિર્મમ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલી તાલુકાના ચિત્તલ ગામે રહેતા ભાનુશંકર તેરૈયાના પત્ની પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી તિક્ષ્ણ હથિયાર વડે ગળા પર હુમલો કરી વિપ્ર પ્રૌઢાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે લોકોએ એક હેલ્મેટ પહેરેલા યુવકને ઘરની બહાર નીકળતા જાયો હતો. જાણવા મળતી માહિતી મુજબ વિપ્ર પ્રૌઢાએ બપોરનાં ૧રઃ૩૦ કલાકે પોતાના પતિને ઘરે જમવા માટે ફોન કર્યો હતો જયારે તેમના પતિ ઘરે પહોંચ્યા ત્યારે માત્ર ૧પ મિનિટમાં જ વિપ્ર પ્રૌઢાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પી.આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાની હત્યા બાદ તેને પહેરેલા દાગીના કે લોકરમાંથી કોઈ લૂંટ કરવામાં આવી નથી. જેથી આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી ન હોવાનું પ્રાથમિક તારણ છે.