(એ.આર.એલ),ગાંધીનગર,તા.૨૪
ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાના બીએસએફ કેમ્પ ખાતે કોન્સ્ટેબલની બેરેકમાંથી ૫૪ ગ્રામ જેટલો ગાંજા મળી આવ્યો હતો. જેના આધારે બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે કોન્સ્ટેબલ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.આ અંગે પોલીસ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બીએસએફ કેમ્પ ખાતે ૫૩ બટાલીયનમાં આસીસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મુરારીલાલ પુનીયા મહાવીરપ્રસાદ પુનીયાને ગઈકાલે સોમવારે ઉપરી અધિકારીએ સૂચના આપી હતી કે , અમદાવાદના શાહીબાગ મેન્ટલ હેલ્થ હોસ્પીટલમાં કોન્સ્ટેબલ મહેન્દ્ર મોતીલાલ પાટીલે નશો કર્યો છે.
જેનાં પગલે બીએસએફનાં અધિકારીઓ મેન્ટલ હોસ્પટલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટર સાથે વાતચીત કરતાં બીએસએફ કોન્સ્ટેબલ મહેન્દ્ર પાટીલે નશો કર્યાનું અને એક પેકેટ પણ સીઝ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડયું હતું. જે અંગેનો રીપોર્ટ ઉપરી અધિકારીને મોકલી આપવામાં આવ્યો હતો.જેનાં પગલે કોન્સ્ટેબલ પાટીલને ડિસ્ચાર્જ કરાવી બીએસએફ કેમ્પ લઈ જવાયો હતો. બાદમાં તેના બેરેકમાં રાખવામાં આવેલા સામાનની તલાશી લેતાં ૧૧ પ્લાસ્ટકનાં ગાંજાનાં પેકેટ મળી આવ્યા હતા. આ અંગે બીએસએફનાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ફરીયાદના આધારે ચીલોડા પોલીસે ૫૪ ગ્રામ જેટલો ગાંજા જપ્ત કરી કોન્સ્ટેબલ મહેન્દ્ર પાટીલની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.