સમાજવાદી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા નહીં કરે. સપા પ્રમુખ અખિલેશ યાદવે દિલ્હીમાં આપને બિનશરતી સમર્થન આપવાનું કહ્યું છે. આમ આદમી પાર્ટીએ તમામ ૭૦ સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર નવી દિલ્હીથી ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ માલવિયા નગરથી સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. મંત્રી સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી ઉમેદવાર છે. મંત્રી ગોપાલ રાયને બાબરપુરથી અને જરનૈલ સિંહને તિલક નગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સત્યેન્દ્ર કુમાર જૈન શકુર બસ્તીથી, મુકેશ કુમાર અહલાવત સુલતાનપુર મજરાથી, રઘુવિંદર શોકીન નાંગલોઈ જાટથી, સોમ દત્ત સદર બજારથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પાર્ટીએ જંગપુરાથી મનીષ સિસોદિયાને મેદાનમાં ઉતાર્યા છે.
મુસ્લીમ સમાજમાંથી પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ૧૦ મહિલાઓને ઉમેદવાર બનાવવામાં આવી છે. એટલે કે ૧૫ ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આપે ૭૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં ૧૧ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં ૨૦ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા. પાર્ટીએ તેની ત્રીજી યાદીમાં એક નામની જાહેરાત કરી હતી. ચોથી અને અંતિમ યાદીમાં ૩૮ નામોની જાહેરાત કરવામાં આવી છે.
આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી પોતાની તૈયારીઓને લઈને પૂરા જાશ સાથે કામ કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. ૨૦૨૦ માં યોજાયેલી ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી અને ૭૦ માંથી ૬૨ બેઠકો જીતી. ભાજપે ૮ બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ ખાલી હાથે રહી હતી.