દર વર્ષે હોળીની ઝાળ બાદ ચૈત્રી દનૈયાના અભ્યાસ દ્વારા ખેડૂતો આગામી ચોમાસું કેવું રહેશે તેના વિશે અનુમાન કરતાં હોય છે. આ વર્ષે ચૈત્રી દનૈયા સારા તપતા આગામી ચોમાસું સમયસર અને સામાન્ય રહેવાની શક્યતા દેખાઈ રહી છે. પૌરાણિક સમયથી આગામી ચોમાસું કેવું રહેશે તે માટે ખેડૂતો અને તજજ્ઞો વાતાવરણનો અભ્યાસ કરી તારણ કાઢવાની જૂની પદ્ધતિઓને પણ અનુસરતા હોય છે. આ બાબતે હોળીની ઝાળ, ચૈત્રી દનૈયા, ભડલી વાક્યો અને અખાત્રીજના પવનના આધારે આગામી ચોમાસા વિશે તારણ બાંધી ખેડૂતો ખેતી માટે તૈયારી કરતા હોય છે. બગસરાથી દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે ચૈત્રી દનૈયા ચૈત્ર વદ પાંચમ ને તારીખ ૧૮ એપ્રિલથી શરૂ કરી ચૈત્ર વદ તેરસ ૨૬ એપ્રિલ એમ નવ દિવસ માટે ગણવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતના પહેલા દનૈયાથી લઈને શનિવારના અંતિમ દનૈયા સુધીમાં એક પણ દનૈયામાં વાદળછાયું વાતાવરણ ન બનતા તમામ નવ દનૈયા સારા તપ્યા હતા. તમામ નવ દનૈયામાં આકરો તાપ પડ્‌યો હતો. આ વર્ષે તમામ દનૈયામાં આકરો તાપ પડતા આગામી ચોમાસું સમયસર અને સામાન્ય રહેવાની શક્યતા ખેડૂતો અને અભ્યાસુઓ દ્વારા જણાવવામાં આવી છે ત્યારે હવે ચોમાસાની સ્થિતિ જાણવા માટે અખાત્રીજમાં પવનનો રુખ કેવો રહે છે તે જોવાનું રહેશે.