‘‘ચોર..ચોર..ચોર..!, ભાગો..ભાગો.. ભાગો..!,
પકડો..પકડો..પકડો..!, ચોર..ચોર..ચોર..!!’’
બકાએ આખું ગામ ગજવી મૂક્યું.
બેરાલાલ, બોસ અને અભણ અમથાલાલે ચારે બાજુ જોયું પરંતુ ચોર જેવું કાંઈ દેખાયું નહીં.
‘‘અરે..અરે..બકા, તું ચોર..ચોર..ચોર.. ઘાંટા પાડે છે. પરંતુ ચોર તો ક્યાંય દેખાતો નથી. તે ચોરને ક્યાં જોયો ? ક્યાં ભાગતાં જોયો ? એમણે કોનાં ઘરે ચોરી કરી?’’
‘‘આ..આ ઉપરનો ફોટો જૂઓ. નવીન જાતનો ચોર તમને દેખાતો નથી? ખુરશી લઈને ભાગતો ચોર તમને દેખાતો નથી?’’
‘‘બકા, ઈ ફોટો છે. ચોર નથી. ’’
‘‘તો પછી, એ ખુરશી લઈને કેમ ભાગે છે? એમની ખુરશી સિધ્ધુની ખુરશીની જેમ કોઈ છીનવી લેવાં માગે છે? પડાવી લેવા માંગે છે?’’
‘‘અરે બકા ઈ રાજકારણી છે. પણ ભારતનાં રાજકારણી નથી કે, ખુરશી હારે જ ઉપર જાય.
આપણે ત્યાં જીવે ત્યાં સુધી ખુરશીનો મોહ છૂટતો જ નથી. પણ, આ વાત જરાં જુદી છે.’’
‘‘જુદી એટલે? મને તો ઈ ખુરશીનો ચોર જ લાગે છે. ચોરી કરતાં કોઈ ભાળી ગયું હોય અને હાથ એકનો જીભડો નીકળી જાય એમ આનોય જીભડો તો નીકળી જ ગયો છે. ભલે કદાચ! એ ભારતનો સફેદ કપડાં વાળો ચોર નહીં હોય. વિદેશનો ચોર હશે પણ, છે તો ચોર જ.’’
‘‘અરે..બકા, ઈ ચોર નથી. ઈ વડાપ્રધાન છે.’’
‘‘લો કર લો બાત. મોદી સાહેબને હું ના ઓળખું?
અરે.. એની આખેઆખી કેબિનેટને હું ઓળખું છું. આ વડાપ્રધાન મોદી તો નથી જ. અને ઈ શા માટે જીભડો કાઢે ?? બીજાં કેટલાં’યને જીભડા કાઢતાં કરી મૂક્યાં છે. ના ના ના. એ આપણાં વડાપ્રધાન તો નથી જ.’’
‘‘બકા, ઈ આપણાં વડાપ્રધાન નથી. પણ, વડાપ્રધાન છે ઈ વાત પાક્કી.’’
‘‘ખુરશી લઈને ભાગતાં વડાપ્રધાન પેલાં જોયાં. વડાપ્રધાનની આગળ પાછળ ભાગતાં ઘણાંને જોયાં છે. પણ..હા પણ, એ ક્યાંના વડાપ્રધાન છે?’’
બેરાલાલને હવે કીડીઓ ચડી રહી હતી.
‘‘બકા બકા, તું ખુબ ઉતાવળો. તે તો રજનું ગજ કરી નાંખ્યું. અને સોયને સાંબેલું બનાવી દીધું. આપણાં વડાપ્રધાનને દુનિયા આખી સલામ ભરે છે. અને તે ચોર હારે સરખામણી કરી દીધી?’’
‘‘ના ના ના. બેરાલાલ, હું તો આપણાં વડાપ્રધાનને સારી રીતે ઓળખું છું. મે તો એમને આજે તો શું ક્યારેય ચોર કહ્યાં જ નથી. હા, વિપક્ષ વાળા કયારેક કયારેક બૂમ બરાડા પાડતાં હોય છે. ચોકીદાર ચોર હૈ. ચોકીદાર ચોર હૈ. પણ, આમેય હવે વિપક્ષનું સાંભળે છે જ કોણ !?? અને વિપક્ષ દેખાય જ છે વાર -પરબે. એટલે બેરાલાલ તમે હવે કાનનું મશીન રાખવા માંડો.
પણ, હજીય એક વાત તો ઊભી જ છે કે, આ વડાપ્રધાન છે ક્યાંના??’’
અભણ અમથાલાલે હવે બાજીને હાથમાં લીધી.
‘‘એ જસ્ટિન..’’
અમથાલાલ આગળ બોલે એ પહેલાં જ પાછાં બેરાલાલ વચ્ચે ખાબકયાં.
‘‘પણ, જસ્ટિસ તો રૂપિયાનાં કોથળામાં પકડાણાં હતાં ઈ!?? એ તો હાઈકોર્ટેના જજ છે. એ ક્યાં વડાપ્રધાન છે?’’
‘‘બેરાલાલ, તમે પેલાં નામ તો પુરૂં સાંભળો.
જસ્ટિન ટ્રૂડો. એ કેનેડાના વડાપ્રધાન છે. (મતલબ હતાં.) એમને એમનાં દેશમાં કોઈ હારે પંગો લેવો ભારે પડયો. એટલે એમણે રાજીનામું આપવું પડ્‌યું.’’
‘‘મેં તો સાંભળ્યું ’તું કે, એમણે પંગો તો આપણી હારેય લીધો તો. ઈ વાત હાસી !??’’
બેરાલાલનો વધારે એક બાઉન્સર સામે આવ્યો.
‘‘જૂઓ, જેમને જેમને ખુરશી મળી છે ને એમને ખુરશીનો પાવર આવ્યો જ છે. પછી, એ પાવર પોતાનો હોય કે પછી ખુરશીનો. પણ, પાવર આવ્યાં વગર રહેતો નથી.’’
‘‘તો પછી, એમ કહોને કે, ખુરશીમાં પાવર હોય છે. એટલે આ ભાઈ ખુરશી લઈને ભાગી રહ્યાં છે.
એ… લ્લા..!! હવે મને મોડી મોડી ટ્યુબલાઈટ થઈ કે, કેજરીવાલને આ જનમમાં તો ખુરશી છોડવી નહોતી. પણ છોડવી પડી. અને જ્યારે એમણે ખુરશી છોડી ત્યારે લાખો કરોડો રૂપિયાનો સરકારી પાવર જેમાં ભરેલો હતો ઈ હંધોય સામાન એની હારે લઈ ગયાં હતાં. (એવું ટીવી વાળા કહેતાં હતાં) એટલે ટ્રૂડો પાવરવાળી ખુરશી હારે લઈ જતાં હશે.’’
અમથાલાલે માથું કૂટયુ.
‘‘અરે ભાઈ, તમે ત્યાંના નિયમને સમજો.
ત્યાં એવો નિયમ છે કે, વડાપ્રધાન ખુરશી છોડે એટલે એણે જે ખુરશીમાં બેસીને સત્તા ભોગવી હોય એ ખુરશી લઈને જ સત્તા છોડવી પડે છે. એટલે ટ્રૂડો ખુરશી લઈને ભાગે છે.’’ બેરાલાલે પોતાનો કાન પકડીને કહ્યું.
‘‘હવે મને સમજાયું કે, આવો નિયમ કેમ બનાવ્યો છે ? ઈ ખુરશી વગર નીંદર ના આવે એટલે.’’ kalubhaibhad123@gmail.com