છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, સવારે નેન્દ્ર અને પુન્નુર ગામના જંગલમાં જ્યારે સુરક્ષાકર્મીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે અથડામણ થઈ હતી.
ગોળીબાર બંધ થયા પછી, સ્થળ પરથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક ૧૨ બોરની રાઈફલ અને અન્ય માઓવાદી સંબંધિત સામગ્રી મળી આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે કારણ કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના સાથે, છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુર સહિત સાત જિલ્લામાં અલગ-અલગ એન્કાઉન્ટર બાદ આ વર્ષે અત્યાર સુધીમાં ૨૧૭ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.