કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી ‘નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’નું વિમોચન- જાહેરાત કરવામાં આવી છે.
મંત્રી રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ–૨૦૨૪ની વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં આ ક્ષેત્રે ૮.૭૫ લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં ૧૨ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા રૂ. ૮ લાખ થી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની મર્યાદા રૂ. ૧.૨૫ લાખ થી વધારીને રૂ. ૩.૭૫ લાખ કરાઈ છે. આ પ્રકારની અનેક યોજનાઓમાં કારીગર ભાઈઓ અને બહેનોને ફાયદો થાય તેની રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે આ વર્ષે અંદાજિત ૧૫૦ જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજાના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે રૂ. ૭૦,૦૦૦ની સહાય અને પ્રોટોટાઈપ માટે મહતમ રૂ. ૨૦,૦૦૦ સહાય આપશે.
કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે તથા હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનથી કારીગરો તેમની પ્રોડક્ટ્સનું ઘરે બેઠા દેશ-વિદેશમાં વેચાણ કરી શકાશે. રાજ્ય સરકારના સહયોગથી એનઆઇડી અને એનઆઇએફટી જેવી સંસ્થાઓ દ્વારા કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમની પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવક્તાયુક્ત બનશે અને આ પ્રોડક્ટ્સ ખરીદવા પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા આવનાર સમયમાં કોર્પોરેટ કંપનીઓને કારીગરો દ્વારા બનવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સની વિસ્તૃત માહિતી સાથેનું કેટેલોગ બનાવવામાં આવશે, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ્સ વહેંચી શકાય જેથી કારીગરોને સારો ફાયદો થઈ શકે તેમ, તેમણે ઉમેર્યું હતું.
કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ પ્રવીણ કુમાર સોલંકી દ્વારા સ્વાગત તેમજ ઇન્ડેક્ષ-સીના કાર્યવાહક નિયામક એન.ડી.પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે કામ કરતા કારીગરો ઉપÂસ્થત રહ્યા હતા.