અક્ષય કુમારની કરિયર માટે છેલ્લા ત્રણેક વર્ષથી કપરાં ચડાણ છે. જો કે ત્રણ દાયકાની મહેનત બાદ સ્ટારડમ મેળવનારા અક્ષય કુમારના હાથ પરની ફિલ્મોમાં ખાસ ઘટાડો આવ્યો નથી. અક્ષય કુમાર એક્શન અને કોમેડીમાં દર વખતે રંગ જમાવી જાય છે, પણ તેમની ઈમોશનલ ફિલ્મોને ક્યારેક મિક્સ રિસ્પોન્સ મળે છે. જોલી એલએલબી-૨માં અક્ષય કુમારના વ્યંગ અને રમૂજે ફિલ્મને હિટ બનાવી હતી. જોલ એલએલબી ફ્રેન્ચાઈઝીની વધુ એક ફિલ્મ પ્લાન થઈ છે, જેમાં અક્ષય કુમારનો લીડ રોલ છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં વકીલ તરીકે અક્ષયની અન્ય એક ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થઈ છે.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે બાહોશ વકીલનો રોલ કર્યો છે. અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં આર. માધવન અને અનન્યા પાંડે મહત્વના રોલમાં છે. અંગ્રેજ સરકારના અત્યંત ક્રૂર અને ધૃણાસ્પદ જલિયાંવાલા બાગ હત્યાકાંડ આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે ભારતીય વકીલ અને રાજદ્વારી સી. શંકરન નાયરનો રોલ કર્યો છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે બનાવેલી આ ફિલ્મની રિલીઝ ડેટ શુક્રવારે જાહેર થઈ હતી. જલિયાંવાલા બાગમાં અંગ્રેજાએ સેંકડો નિઃશસ્ત્ર લોકોની ક્રૂર હત્યા કરી હતી અને આ હત્યાકાંડને સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
આઝાદી પૂર્વેના ભારતમાં બનેલી આ ઘટના બાદ ભારતીય બેરિસ્ટરે અંગ્રેજ સરકારને પડકારી હતી. ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ નામના પુસ્તક આધારિત ફિલ્મને ૧૪ માર્ચે રિલીઝ કરવામાં આવશે.કરણ જોહરના પ્રોડક્શન હાઉસે રિલીઝ ડેટ શેર કરતી વખતે ફિલ્મ અંગે માહિતી આપી હતી કે, આ અનટાઈટલ્ડ ફિલ્મમાં બ્રિટિશ એમ્પાયર સામે ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરે આપેલી લડતને રજૂ કરવામાં આવી છે, જેના કારણે આખી બ્રિટિશ સરકાર હચમચી ગઈ હતી. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મમાં અક્ષયના રોલની માહિતી બહાર આવી છે, પરંતુ અનન્યા અને માધવનના કેરેક્ટરનો ખુલાસો હજુ થયો નથી. અક્ષય કુમારે તાજેતરમાં કોમેડી ‘હાઉસફુલ ૫’નું શૂટિંગ પૂરું કરેલું છે. તે ઉપરાંત ‘જાલી એલએલબી ૩’, ‘સિંઘમ અગેઈન’ અને ‘સ્કાય ફોર્સ’માં પણ અક્ષય કુમારના મહ¥વના રોલ છે. એકાદ ફિલ્મ હિટ રહે તો પણ અક્ષયને મોટી રાહત મળશે.