ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ સાહેબ કહેતા હતા કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ભૌતિકવાદના સમયગાળા દરમિયાન પાણીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. મોજશોખ અને સુખ સુવિધા માટે પાણીનો બિનજરૂરી ઉપયોગ નિરંતર થતો આવ્યો છે. આવા સમયે ‘જળ એ જીવન છે’ તેને રાષ્ટ્રીય સંપત્તિ સમજી વિવેકથી ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. હમણાં થોડા વર્ષો પહેલા દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉન એ વિશ્વનું પ્રથમ પાણી વિનાનું શહેર જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે તેની સરકારે ૧૪ એપ્રિલ, ૨૦૨૩ પછી પાણી પુરું પાડવામાં અસમર્થતા દર્શાવી છે. ત્યાં સ્નાન કરવાની મનાઈ છે. ૧૦ લાખ લોકોના કનેક્શન કાપી નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે ભારતમાં પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ ખરીદવામાં આવે છે, તેવી જ રીતે કેપટાઉનમાં પણ પાણીના ટેન્કર હશે જ્યાં ૨૫ લીટર પાણી મળશે. વધુ પાણી માંગનારા કે પાણીની લૂંટ ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ અને સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
દુનિયાની આ ગંભીર સમસ્યા આખરે કોઈ દેશ કે રાજ્ય પર આવે તે પૂર્વે જાગૃતિ લાવવી જરૂરી છે માટે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરો. પાણીનો બગાડ કરવાનું બંધ કરો. આપણે જોયું છે કે લાતુર (મહારાષ્ટ્ર)માં રેલ દ્વારા પાણી મોકલવામાં આવે છે. વિશ્વનું માત્ર ૨.૭% પાણી પીવાલાયક છે. નજીકના તમામ ડેમોમાં પાણીનું સ્તર ઘટવાથી ભૂગર્ભ જળ સ્તર ઊંડું ગયું છે.
એક જવાબદાર નાગરિક તરીકે આપણે પાણીનો બગાડ અટકાવીને પાણીની બચત કરીશું. તમે સરળતાથી કરી શકો છો. :-
૧. રોજરોજ કાર/બાઈક ધોશો નહીં.
૨. આંગણા / સીડી / માળ ધોવાનું ટાળો અથવા ધોવામાં ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરો.
૩. કપડાં ધોવામાં કરકસરથી પાણીનો ઉપયોગ કરો.
૪. ખેતીમાં ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ દ્વારા પાણી બચાવો.
૫. ઘરમાં લીક થયેલ નળને ઠીક કરો.
૬. ઝાડમાં ડ્રિપ પદ્ધતિથી ઓછામાં ઓછું પાણી આપો.
૭. રસ્તા પર પાણીનો છંટકાવ કરશો નહીં.
૮. પાણીનો પુનઃ ઉપયોગ થાય તેવા આયોજનબદ્ધ કાર્યો કરો.
૯. ચોમાસામાં જળસંચય થાય તે માટે ચેકડેમ, બોરીબંધ, ચોમાસાનું પાણી કૂવામાં ભરીશ અને લોકજાગૃતિ કેળવીશ તેવો સંકલ્પ કરો.
૧૦. ટોયલેટ કે સ્નાન કરવામાં ડોલ ભરીને જ પાણીનો ઉપયોગ કરીશ.
૧૧. બાથટબમાં અને ફુવારા પદ્ધતિથી સ્નાન કરવાનું ઓછું કરી દેવું જોઈએ.
૧૨. શુદ્ધ પાણીમાં ઔદ્યોગિક એકમના પ્રદૂષિત પાણીને પ્રવેશ કરતું અટકાવી પાણી બચાવવા પ્રયત્ન કરવો જોઈએ.
૧૩. ગામડાના તળાવો ચોમાસા દરમિયાન ભરાય અને સચવાય તે માટે પંચાયતની જવાબદારી ફિક્સ કરવી જોઈએ.
ઉનાળા જેવા સમયગાળા દરમિયાન તેમજ આવનારા સમયમાં દુષ્કાળમાંથી બહાર આવવા માટે પાણી બચાવવાનું ફળ મળશે. અનેક અબોલ પ્રાણીઓને પાણી પૂરું પાડીને સેવાકીય પ્રવૃત્તિ કરવાનો અવસર છે. ગાંધીજી સાબરમતી આશ્રમમાં સવારે દાતણ કરવા બેઠા ત્યારે આખી ડોલ ભરીને તેમની જોડે મૂકવામાં આવી. ગાંધીજીએ તેમાંથી ફક્ત એક કળશ ભરીને દાતણ કરી લીધું અને કહ્યું કે આ ડોલમાંથી આટલું જ પાણી વાપરવાનો મારો અધિકાર છે. આ સમયે સાબરમતી આશ્રમના સેવકે કહ્યું કે બાપુ આશ્રમની પાછળ સાબરમતી નદી વહે છે. તેમાં અઢળક પાણી છે ત્યારે બાપુએ તેને બચતની ભાષામાં જવાબ આપ્યો કે કુદરત દ્વારા મળેલા પાણીનો વિવેકથી ઉપયોગ કરવો તે જ કેળવણી છે.
‘જળ બચાવો, દેશ બચાવો’ આવા વાક્યો બોલવાથી પાણી બચશે નહીં. આ સામાજિક ચળવળની શરૂઆત સ્વયં પોતાથી કરવી પડશે. તો જ રાષ્ટ્રીય સંપત્તિ જળ બચી શકશે. મો.૯૮૨૫૭૦૨૨૮૨