જસદણ તાલુકા સેવા સદન ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ, વિંછીયા અને સાણથલી સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત ટી.બી. મુક્ત પંચાયત-૨૦૨૪ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૨૩ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા ટી.બી. મુક્ત ગામ બદલ સિલ્વર, બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વોરા અને નીતાબેન ગઢાદરા, પ્રાંત અધિકારી આર.આર.ખાંભરા, મામલતદાર એચ.ડી.બારોટ, આઈ.જી.ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડા.સી.કે.રામ સહિત અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, તબીબો વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ વિસ્તારની ૨૩ ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે, તે આનંદની વાત છે.