રવિવાર હતો પણ હું ક્રિકેટ રમવા ગયો ન હતો અને ઓફિસમાંય રજા હતી અને મને મજા પણ નહોતી. એટલે વરંડામાં ખુરશી નાખી ડિસેમ્બરના હુંફાળા તડકાની મજા માણી રહ્યો હતો કે કોલોનીનું નાકુ વળોટીને સામાન ભરીને એક ધીમે-ધીમે આવતો ટ્રક આ તરફ આવતો દેખાયો હું તાકી રહ્યો. બરાબ ત્યાં જ મમ્મી બહાર નીકળી. મેં પૂછયું: “મમ્મી, આપણી કોલોનીમાં વળી કોનો સામાન ?” મમ્મીએ હસીને કહ્યું:“તારા પપ્પા કાલે કહેતા હતા કે, સૌરાષ્ટ્રમાં કોઇ ગામડાના રેલવે સ્ટેશનમાંથી પ્રમોશન લઇને અહી શર્માજી કરીને કોઇ આવ્યું છે. એ હાજર તો થઇ ગયા હતા પણ આજે સામાન ભરીને આવવાના હતા, કદાચ એ જ હશે. આ સામે મધુકાન્તભાઇ વાળું કવાર્ટર મહિનાથી ખાલી જ પડયું છે ને ? ત્યાં જ આવતા હશે વળી…” પણ મમ્મી વાત પૂરી કરે એ પહેલા તો ટ્રક આવી પહોંચ્યો. હું તાકી રહ્યો.
ટ્રક ડ્રાઇવર ટ્રક વ્યવસ્થિત ઠેરાવી નીચે ઉતર્યો. કેબીનમાંથી જ પપ્પા જેટલી ઉંમરના એક અંકલ ઊતર્યા એ પછી એક આન્ટી કેબિનમાંથી બહાર આવતા દેખાયા. “હળવે ઉતરજે સુશી..” નીચે ઉતરી ગયેલા અંકલે કદાચ તેમની પત્નીને ઉદ્દેશીને કહ્યું. “હા, ધીમે-ધીમે જ ઉતરીશ.” શરીરે થોડાં સ્થુળકાય આન્ટી ઉતરવા માટે કોશિષ કરતા હતા પણ કારી ફાવતી નહોતી. મેં મમ્મી સામે જાયું. મમ્મી મારી આંખોની ભાષા સમજી ગઇ. હસીને બોલી: “અભિ એ લોકોને મદદ કરને..” મારે તો એટલું જ જાઇતું હતું. હું ત્યાં દોડી ગયો અને શર્માઅંકલની પરવા કર્યા વગર જ ત્યાં ઊભો રહી ગયો અને નીચે ઉતરવા માટે પ્રયત્ન કરતા આન્ટીને ઉદેશીને કહ્યું: “આન્ટી, હું અહીં જ ઊભો છું તમને પડવા નહી દઉ” ચલો, મેં તમારો હાથ પકડી લીધો છે. હવે આ સ્ટેન્ડને છોડીને આ હેન્ડલ પકડો, સરસઈઈઈ ચલો… ધીમેથી…આસ્તેથી…ગુડ ઓ..કે..” પણ આન્ટીને નીચે ઉતારતી વખતે મને એ ખ્યાલ નહોતો કે મારી નજર તો નીચે હતી અને કેબિનમાંથી જાણે કાળા ભમ્મર વાદળો આડેથી એક ચાંદ બહાર આવ્યો છે. હું તો સુશી આન્ટીને સુખરૂપ નીચે ઊતારી શક્યાનો પરિતોષ અનુભવી રહ્યો હતો કે, સુશીકાકીએ નીચે રહ્યે રહ્યે કેબિન તરફ જાઇને બૂમ પાડી: “જૂહી, ચલ, નીચે આવી જા…” અને પછી મારી પીઠ ઉપર હાથ પસવારતા કહે: “થેન્કયૂ બેટા…” પરંતુ મારો જીવ ત્યાં કયાં હતો ? હું તો પેલા કાળા ભમ્મર વાદળા આડેથી બહાર નીકળી આવેલા ચાંદને જ તાકી રહ્યો હતો. ચાંદ તો ચાંદ હતો ! મારૂં હૃદય ધબકારો ચૂકી ગયું. મેં તેમની સામે સ્મિત કર્યું. એ પણ મંદ મંદ હસી જાણે કે કોઇ કળી હળવેકથી ખૂલી ! “ તમે પણ આવતા રહો. પડવા નહી દઉં” હું હસીને બોલ્યો પણ વારેવારે તેના ચહેરા ઉપર ધસી આવતી અલ્હડ લટો તેમને પજવતી હતી. એણે ટોકરી રણકતી હોય એવા સ્વરે મને કહ્યું: “ હું તો આવતી રહીશ. એક મમ્મીની બીક હતી. ” અને તે નીચે ઉતરી કે એક અજાણી મહેંક મારા શ્વાસમાં સમાઇ વળી. અમારૂં તારામૈત્રક રચાયું કે મમ્મી પાણીનો જગ ભરીને આવી. મા-દીકરીએ એક એક ગ્લાસ પાણી પીધું ત્યાં જ શર્માજી કવાર્ટરનું તાળુ ખોલીને પાછા આવ્યા, અને સુશી આન્ટીને ઉદ્દેશીને બોલ્યા ઃ “સુશી, તું પહેલા કવાર્ટર જાઇ લે. ? એ પ્રમાણે સામાન ગોઠવવાનું શરૂ કરીએ.” આમ તો બે-ત્રણ મજૂર ટ્રકની સાથે જ આવેલા. ટ્રક ડ્રાયવરે એ મજૂરોને શર્માજીની સૂચના મુજબ સામાન ગોઠવવાનું કહી દીધું સાથે હું પણ તેઓની સાથે સામાન ગોઠવવા લાગ્યો. “શર્માજી હવે ટ્રકના ડ્રાઈવર સાથે ભાડાની ચર્ચા કરતા હતા અને હું જૂહી સાથે વાતોનું અનુસંધાન સધાય એવી કોશિષ કરી રહ્યો હતો. સુશી આન્ટી પાસે રહેલા કાચનો અને ઇલેક્ટ્રીકસ ચીજવસ્તુ સંભાળી સંભાળી જૂહીના હાથમાં આપતો જતો હતો અને જૂહી સ્તમિ કરતી. મમ્મી ચા પાણી બનાવીને લાવી. બે કલાકમાં સામાન ઉતરી ગયો. રેલવે કોલોનીના કવાર્ટર રળિયામણા અને મોટા હતા. ધીમે ધીમે બધુ સરસ ગોઠવાઇ ગયું. હું ઘેર જવા નીકળ્યો કે, વાડામાં તુલસીનો છોડ મૂકતી જૂહીએ મારી સામે એક મીટ માંડી “થેક્યુ…” કહ્યું “અભિનવ…” મેં રિપ્લાય આપ્યો અને તે ફૂલોથી લચેલી ડાળખી જેવું જાણે ઝૂમી ઉઠી.
—-
સવાર સવારમાં આમ તો અમારો એક ક્રમ બની ગયો હતો. એ કોલેજ જતા પૂર્વે કપડા ધોઇને અગાસી ઉપર આવતી અને એ વખતે હું મારી અગાસી ઉપર પુલઅપ્સ કરતો હોઉં એ મારી સામે તાકી રહેતી. તેની નજર મારા શરીર ઉપર, સ્નાયુ ઉપર અને બાવડા ઉપર ટીકતી. પંજાબી ડ્રેસમાં તે માંસલ છતા ફીટ લાગતી. કપડા ધોઇને તે
આભાર – નિહારીકા રવિયા અગાસીએ ઊભી રહીને કપડા ઝાટકતી અને તે જલશિકરોથી ભીનો તો હું થઇ જતો !! મારી નજરમાં એક પ્યાસ બેઠી થઇ જતી એ નજરને તરત પકડી પાડતી અને શરમાઇ જતી. દસ મિનિટને બદલે તેનો કપડા સૂકવવાનો સમય તે અકારણ વધારતી તેનાથી મને એવું પ્રતીત થતું હતું કે એ મને લાઇક કરે છે ! પણ હું તો તેને પ્રેમ કરતો થઇ ગયો હતો એ તેને કયાં ખબર હતી ?
“અભિનવને આ કલાર્કની નોકરી નથી કરવી પણ એ આઇ.પી.એસ. બનવા માગે છે.” એવું એક સાંજે તેને ત્યાં મમ્મી બેસવા ગઇ ત્યારે કહ્યું હતું. વાત સાંભળીને તેને કદાચ ખૂબ ગમ્યું હશે તેની તો મને ખબરેય નહોતી પણ બે દિવસ પછી મમ્મીએ મને કહ્યું કે, “શર્માજી ગેટ ટુ ગેધર – સ્નેહમિલન રાખવા માગે છે. તો તું એમની પાસે જજે. કોઇ કામકાજ હોય તો…” એ સાંજે જ હું એમના ઘેર ગયો તો જૂહી જ સામે મળી. મને તેના ઘરે આવેલો જાઇને તેના ચહેરા ઉપર ખુશી છલકાઇ. તેણી કોયલશી ટહુકી: “આવો…” મેં પૂછયું: “ શર્મા અંકલ ઘરે છે ?”
“અંદર રૂમમાં બેઠા છે.” તેણે ઇશારો કર્યો. હું અંદરના બીજા રૂમમાં ગયો તો શર્મા અંકલ કંઇક લખી રહ્યા હતા.“નમસ્તે અંકલ.” મેં તેમને પ્રણામ કર્યા. જૂહી બહાર જ ઊભી હતી. શર્મા અંકલે મને આવકાર્યો: “આવ…” પછી મૌન પથરાયું. મેં કહ્યું: “મમ્મીએ મોકલ્યો છે. તમે કોલોનીમાં સ્નેહમિલનનું આયોજન કરી રહ્યા છો તો મારી કોઇ જરૂર…” “અરે હા, તારી જેવડા બે-ત્રણ છોકરાઓ હોય તો…” “થઇ જશે અંકલ.” મેં કહ્યું: “મને ખાલી આયોજન કહી દો, હું એરેન્જ કરી દઇશ.” શર્મા અંકલની મુંઝવણ દૂર થઇ. મેં મારા મિત્રોને મળીને શાનદાર રીતે “સ્નેહિમલન” સંપન્ન કરાવી દીધું. તે દિવસે રાત્રે બધુ જ કામ પુરૂં કરાવીને કોલોનીના ઇવેન્ટ હોલમાંથી પાછો આવતો હતો કે જૂહીએ ધીમેકથી બૂમ પાડી: “અભિનવ.” હું ઊભો રહ્યો. તે અડોઅડ આવી ઉભી રહી. જૂહીના ફૂલ જેવી સોડમ આજે ફરીવાર મારા શ્વાસમાં સમાઇ વળી. તેણે હાથ લંબાવ્યો. મારી હથેળી હાથમાં લઇ તેણે તેની હથેળીમાં મૂકી અને પછી આંખોમાં આંખ નાખી “થેન્કયુ… દોસ્ત…. હાર્ટલી થેન્કસ…” કહી હથેળી દાબીને ઊભી રહી. જાણે એક ક્ષણની કે પછી મારા રિપ્લાયની તે રાહ જાતી હશે. મારામાં એક ઉછાળ આવ્યો. મેં તેને સાહી લીધી. એણે કશો પ્રતિકાર ન કર્યો. મેં થોડી કસી. તો એ હસી ઃ “બસ કરો એસ.પી. સાહેબ, હું તમારી પ્રેમિકા છું. ગુનેગાર નથી.!!” હું છક થઇ ગયો. પછી મેં ટીખળ કરતા કહ્યું ઃ “ગુનો તો તારોય ખરો જ કે મને પ્રેમમાં પાડયો હવે એની સજા તો ભોગવવી પડશે !!” અને મેં તેને ચૂમી લીધી. પણ પ્રેમની સજા મોંઘી પડશે મને ખબર નહોતી. અઠવાડિયા પછી શર્માજીએ મને બોલાવ્યો. હું ઘેર ગયો ત્યારે સુશી આન્ટી અને જૂહી પણ હતા. શર્મા અંકલે કહ્યું: “અભિનવ, પરમ દિ’ અમારા વતન રાજસ્થાનથી મહેમાનો આવે છે. ઘર સારૂં છે. જૂહીની સગાઇ છે. બધો જ કાર્યક્રમ તારે એરેન્જ કરવાનો છે. ઓ. કે. ?” મારા પગ તળેથી જમીન ખસી ગઇ. હવે શું કરવું ? અચાનક મારી અંદર જુનૂન પ્રગટયું: “અંકલ, મારે પણ તમને વાત કરવી છે કે હું જૂહીને પ્રેમ કરૂં છું અને તેની સાથે લગ્ન કરવા માગુ છું. ” “વોટ નોનસેન્સ…. વોટ ડુ યુ સે ?!” તે ગુસ્સે થઇ ગયા. જવાબમાં મેં કહ્યું ઃ “મેં મારા દિલની વાત જણાવી છે. કોઇ ગુનો નથી કર્યો. તમે વિચારજા. તેમ છતાં યોગ્ય ન લાગે તો હું એવું કોઇ કૃત્ય નહીં કરૂં કે જેનાથી જૂહીની જીંદગીને લાંછન લાગે. અત્યારે ભલે હું સામાન્ય કલાર્ક છું પણ ભવિષ્યમાં હું આઇ.પી.એસ. બનીને રહીશ અને ખાખી વર્દીમાં સજ્જ થઈને તમને બતાવીશ.” એમ કરીને બહાર નીકળી ગયો. છતાં પણ મહેમાન અવવાના હતા તેને આગલે દિવસે તેમની પાસે જઇને મેં કહ્યું. “અંકલ, ચિંતા ન કરશો. બધુ થઇ પડશે…!!!” આજે તેઓ થોડા નરમ હતા. ખેર, સગાઇ વિધિ સંપન્ન થઇ. બીજે દિવસે મારા ઘરે હું એકલો જ છું એમ જાણીને જૂહી ચોરીછૂપીથી આવી અને મને ભેટીને ખૂબ રડી. પણ અમને ખબર નહોતી. અમારી બન્નેની મમ્મીઓ પાછળ આવીને ઊભી રહી ગઇ છે. અમે છુટા પડી ગયા. આ વાતને દસેક દિવસ થયા હશે ને રાજસ્થાનથી એક લેટર આવ્યો. તેમાં જૂહીને કરિયાવર આપવા માટેનું એક મોટુ બધુ લિસ્ટ હતું… (ક્રમશઃ)