(એ.આર.એલ),ટોકયો,તા.૨૫
જાપાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સતત ૧૫માં વર્ષે દેશની કુલ વસ્તીમાં ઘટાડો થયો છે. આંકડા મુજબ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ અને જન્મ દર નીચો રહેવાને કારણે વસ્તીમાં પાંચ લાખથી વધુનો ઘટાડો થયો છે. ગયા વર્ષે જાપાનમાં માત્ર ૭,૩૦,૦૦૦ બાળકોનો જન્મ થયો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન ૧૫.૮ લાખ લોકોના મોત થયા હતા.આંકડા મુજબ ૧ જાન્યુઆરીએ જાપાનની કુલ વસ્તી ૧૨.૪૯ કરોડ હતી.
આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિદેશી રહેવાસીઓની સંખ્યામાં ૧૧ ટકાના વધારા સાથે, દેશમાં તેમની વસ્તી પ્રથમ વખત ૩૦ લાખને વટાવી ગઈ છે. દેશની વસ્તીમાં વિદેશી મૂળના લોકોનો હિસ્સો ત્રણ ટકા સુધી પહોંચી ગયો છે અને તેમાંથી મોટા ભાગના ૧૫ થી ૬૪ વર્ષની વયજૂથમાં છે, જે કામકાજની ઉંમરની છે. સર્વેક્ષણો અનુસાર, યુવાન જાપાનીઓ લગ્ન કરવા અથવા બાળકો પેદા કરવા માટે અનિચ્છા અનુભવી રહ્યા છે કારણ કે તેઓ નોકરીની ઓછી સંભાવનાઓ, જીવનનિર્વાહની ઊંચી કિંમત અને લિંગ-ભેદભાવપૂર્ણ કોર્પોરેટ પ્રથાઓથી નિરુત્સાહિત છે જે ફક્ત મહિલાઓ અને કામ કરતી માતાઓ પર ભાર મૂકે છે.
સરકારે ૨૦૨૪ના બજેટમાં યુવા યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા ૩૪ બિલિયનની જાગવાઈ કરી છે. અહેવાલનો અંદાજ છે કે જાપાનની વસ્તી ૨૦૭૦ સુધીમાં લગભગ ૩૦ ટકા ઘટીને ૮૭ મિલિયન થઈ જશે, તે સમયે દર ૧૦ માંથી ચાર લોકો ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના હશે.