દિવાળીના પર્વ પર આગ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. ફટાકડા ફોડતી સમયે તણખલાને કારણે જિલ્લામાં વિવિધ સ્થળોએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જાફરાબાદના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડીરાત્રે આગ લાગતા લોકોમાં ભાગદોડના દૃશ્યો સર્જાયા હતા. જાફરાબાદના ખારવાવાડ વિસ્તારમાં આગ લાગવાની જાણ થતા લોકોમાં નાસભાગ થઈ હતી. ખારવાવાડ વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં આગ લાગ્યાની જાણ લોકોએ પાલિકાને કરતા પાલિકાનું ફાયર ફાઈટર બંધ હાલતમાં હોવાથી આગને કાબુમાં લેવા અન્ય શહેરના ફાયર ફાઈટરની મદદ લેવી પડી હતી. દિવાળીના પર્વ પર આગ લાગવાની ઘટનાઓ વધુ બને છે તેની જાણ હોવા છતાં પાલિકાએ ફાયર ફાઈટર ચાલુ કરવાની તસ્દી લીધી નહોતી. જેથી પાલિકા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.