આ બાજરાના રોટલા ખાતા લોકો ધરાતા નથી

પીએમ મોદી પણ કરી ચુક્યા છે બાબરકોટના બાજરાના વખાણ

શિયાળાની શરૂઆત થતાં જ અમરેલી સહિત ગુજરાતમાં બાજરાની માંગ વધી જાય છે. ગુજરાતના ધાન્ય પાકોમાં બાજરી બીજા નંબરનો સૌથી અગત્યનો ધાન્ય પાક છે. રાજ્યમાં બાજરાનું વાવેતર લગભગ છ થી સાત લાખ હેક્ટર ખરીફ ઋતુમાં અને દોઢ થી બે લાખ હેક્ટર ઉનાળુ ઋતુમાં કરવામાં આવે છે. બાજરી બીજા ધાન્ય પાકોની સરખામણીમાં સૌથી વધારે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી શકે છે. તેથી જ રાજ્યના સુકા, અર્ધ સુકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં સારું ઉત્પાદન આપે છે. તાજેતરમાં પીએમ મોદી અમરેલી આવ્યા ત્યારે તેમણે બાબરકોટના બાજરાનો ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા પરસોત્તમભાઈ રૂપાલાએ પણ બાબરકોટના બાજરાની વાત કરી હતી. અમરેલીના જાફરાબાદના બાબરકોટના બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. અનાજમાં તે બાસમતી ચોખા કરતાં પણ મોંઘો છે. સામાન્ય બાજરા કરતાં આ બાજરાની કિંમત લગભગ અઢી ગણી હોય છે. તેના રોટલામાં ભારે મીઠાશ છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અલગ પ્રકારના પથ્થર છે. જેના કારણે બાજરામાં મીઠાશ આવતી હોવાનું માનવામાં આવે છે. અહીંની જમીનમાં જ પાકતો બાજરો દેશ વિદેશમાં જાય છે. બાબરકોટ ગામ ઉપરાંત ૭ ગામો જેવા કે રોહિસા, વારાહ સ્વરૂપ, મિતિયાળા, વાંઢ, વઢેરા ગામોમાં આ બાજરો પાકે છે. ભાવ ઊંચા રહેતાં હોવાથી તે શ્રીમંતોનો ખોરાક બની ગયો છે. એવું માનવામાં આવે છે કે અહીં હડપ્પન સમયથી બાજરો વાવવામાં આવે છે. અહીં બાબરકોટમાં ૨.૭ હેક્ટર વિસ્તારમાં હડપ્પન સમયનું કિલ્લેબંધ શહેર મળી આવ્યું હતું. થોડા વર્ષો પહેલા જાફરાબાદના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીને માઈન્સની લીઝ આપવા અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આસપાસના લોકો માટે સુનાવણી રાખવામાં આવી હતી. ૨૭ ગામના લોકોએ ફેક્ટરીનો વિરોધ કરીને પૂરાતન સમયથી ઉગાડાતા બાજરાના ખેતરને બચાવી લેવા માટે રજૂઆત કરી હતી. અહીં દોઢ-બે દાયકા પહેલા એક વીઘામાં ૧૦ ખાંડી બાજરો પાકતો હતો. હવે પ્રદૂષણ વધવાના કારણે ૧થી ૨ ખાંડી પાકતો હોવાનું ખેડૂતોનું કહેવું છે.

મોદી સાહેબ પણ આ બાજરો ખાય છેઃ ખેડૂત
બાબરકોટ ગામના ખેડૂત કાળુભાઇ સાખટે કહ્યું, આની ખાસિયત એ છે કે અમે કોઈપણ જાતનું ખાતર, કેમિકલ કે દવા નાખ્યા વગર ઓર્ગેનિક માફક દેશી ખાતરથી પકવીએ છીએ. સમય પ્રમાણે જ પાકે છે, જો જરૂર પડે તો પાણી આપવામાં આવે છે, બાકી કોઈ જરૂર પડતી નથી. તેમણે કહ્યું, તાજેતરમાં પીએમ મોદી અહીં આવ્યા ત્યારે આ બાજરાનો ઉલ્લેખ કર્યો હતો. મોદી સાહેબ પણ આ બાજરો ખાય છે.

અમરેલીના બાબરકોટના બાજરાની શું છે ખાસિયત
દેશમાં બાજરીના વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. અમરેલીના જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરામાં દેશના તમામ બાજરા કરતાં વધુ પ્રોટીન અને હાઇડ્રોકાર્બન જેવા તત્વો હોવાનું જાણવા મળ્યું હતું.