જાફરાબાદના સરોવડાથી ભટવદર સુધીનો ૩ કિલોમીટરનો માર્ગ ડામર બનાવવા માટે સરપંચો અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને ધારાસભ્યને રજૂઆત કરી હતી. જાફરાબાદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરૂદ્ધભાઈ વાળા અને સરપંચ જયેશભાઈએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સરોવડાથી ભટવદર સુધીનો ત્રણ કિ.મી નો રસ્તો છે. તે પણ સંપૂર્ણ કાચો છે. છેલ્લા ૨૦ વર્ષથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જેના કારણે ભટવદરથી બારપટોળીથી સરોવડા ૬ કિલોમીટર ફરવા જવું પડે છે. ત્યારે ચોમાસામા કાચા રસ્તા પર વાહન લઈ જવા હાડમારી વેઠવી પડે છે. કેટલાક સમય સુધી તો રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવે છે. જેના કારણે ૬ કિલોમીટર લોકોને ફરવા જવું પડે છે. આ પ્રશ્ન અંગે દર વખતે રજૂઆત કરવામાં આવે છે. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. અગાઉ સાંસદની ચૂંટણીનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ કોઈ જ ઉકેલ આવતો નથી. ત્યારે અહીં કાચા રસ્તા પર ડામર પટ્ટી બનાવવા માટે તેમણે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરી માંગણી કરી હતી.