જાફરાબાદ તાલુકાના હેમાળ ખાતે આવેલા ખેડૂત કોટેક્ષ ખાતે ધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કપાસ ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર ટીંબી માર્કેટયાર્ડના સંચાલન હેઠળ કાર્યરત થયું છે, જેનો ઉદ્ઘાટન સમારોહ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જાફરાબાદ તાલુકાના ૪૦ ગામના ખેડૂતોને અગાઉ કપાસ વેચાણ માટે રાજુલા કે મહુવા સુધી જવું પડતું હતું. આ મુશ્કેલીના નિવારણ માટે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ટીંબી માર્કેટયાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળે સરકારમાં કરેલી રજૂઆતને પગલે આ કેન્દ્રની મંજૂરી મળી હતી. કાર્યક્રમમાં ટીંબી માર્કેટયાર્ડના ગૌતમભાઈ વરુ, કરશનભાઈ ભીલ, કુલદીપભાઈ વરુ, કનુભાઈ પડસાલા, જગાભાઈ એભલવડ, રમેશભાઈ બાંભણિયા, પ્રકાશભાઈ વરુ, કાનાભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.