વર્તમાન ચોમાસામાં વધુ વરસાદને કારણે જાફરાબાદ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાડા, વડલી, ચિત્રાસર, ધારાબંદર, બલાણા, કેરાળા, વઠેરા, ધેસપુર, નાના-મોટા સાકરીયા, કડીયાળી, નાગેશ્રી, મીઠાપુર, કાગવદર અને ભટવદર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિએ ખેતીને ગંભીર અસર પહોંચાડી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, મગફળી, કપાસ, ડાંગર, જુવાર અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે.
છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાં પાણી ભરાયેલું રહેવાથી અને સતત વરસાદને કારણે પાક બળવા અને સડવા લાગ્યો છે. ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણનું રોકાણ કર્યું હતું, જેનું નુકસાન તેમને પરવડે તેમ નથી. આ પરિસ્થિતિમાં, અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂએ ગુજરાત સરકારના
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. વરૂએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે પ્રભાવિત વિસ્તારોમાં પાકનું સર્વેક્ષણ કરાવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય પૂરી પાડે.